અમદાવાદઃ સીઆઇડી ક્રાઇમ સાઇબર સેલે યુકેમાં રજિસ્ટર કરાવેલી RightFX નામની કંપનીમાં લોકો પાસેથી રોકાણ કરાવી રૂ. 7 કરોડથી વધુની રકમ ચાંઉં કરનારા મુખ્ય સૂત્રધાર રવિરાજસિંહ દિગ્વિજયસિંહ વાઘેલાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 15 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી રવિરાજ આણી મંડળીએ તેઓની કંપની ફોરેક્સ ટ્રેડિંગ કરતી હોવાનું જણાવીને માસિક 5થી 7 ટકા વળતર ચૂકવવાની લાલચ આપી હતી. રોકાણકારોને શરૂઆતમાં વળતર ચૂકવી આરોપીઓએ વિશ્વાસ કેળવ્યા બાદ લોકોનું ફુલેકું ફેરવ્યું હતું. આ કેસમાં અન્ય બે આરોપીનાં નામ ખૂલતાં તેઓને પકડવાની તજવીજ ચાલી રહી છે.

