ભુજ, કંડલા, નલિયા, મુંદ્રામાં એરપોર્ટ બાદ ખાવડામાં એર સ્ટ્રીપ

Wednesday 17th April 2024 06:12 EDT
 
 

ભુજઃ કચ્છની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પાસે અદાણી કંપની દ્વારા એક હવાઈપટ્ટી નિર્માણ પામી હોવાનું બહાર આવ્યું છે. જ્યાંથી હાલ મુંદ્રા અને અમદાવાદથી ફ્લાઇટનું આવાગમન પણ થઈ રહ્યું છે. આમ હવે કચ્છમાં ભુજ, કંડલા, મુંદ્રા અને નલિયામાં એરપોર્ટ બાદ માંડવી અને ખાવડામાં પણ હવાઈપટ્ટી બની ગઈ છે.
એક અહેવાલમાં જણાવાયુ છે કે, ખાવડા પાસે એક સાંકડી હવાઈપટ્ટી છે, જેમાં આવનારા એરોપ્લેનને માર્ગદર્શન આપવા માટે એર ટ્રાફિક કંટ્રોલર પણ નથી. જેનું એકમાત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટેબલ શૌચાલય અને કન્ટેનરમાં બનેલી ઓફિસ છે. પાકિસ્તાન સરહદે આવેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક માટે આ પ્રવેશદ્વાર છે. ડિસેમ્બર 2022માં એરસ્ટ્રીપ વધુ નાની હતી, અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ ઉજ્જડ વિસ્તારમાં પહોંચવા સૌપ્રથમ નાના વિમાનનો ઉપયોગ કર્યો હતો. આ સ્થળનો કોઈ પિનકોડ પણ નથી. એરસ્ટ્રીપથી અંદાજે 18 કિ.મી.ના અંતરે ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કનું સ્થળ છે.


comments powered by Disqus