મધ્ય-પૂર્વ તણાવથી UK-ભારતની ફ્લાઈટનું અંતર દોઢ કલાક વધ્યું

Wednesday 17th April 2024 06:13 EDT
 
 

અમદાવાદઃ ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની ગંભીર સ્થિતિને પગલે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફલાઇટે રૂટ બદલવો પડ્યો છે, જેના કારણે હવે અમદાવાદથી લંડન રૂટ પર અવરજવર કરતી ફલાઇટે 1000 કિ.મી ફરીને જવું પડશે. આમ પેસેન્જરોએ 9 કલાકના બદલે સાડા દસ કલાક એટલે કે દોઢ કલાક વધુ ફલાઇટમાં બેસી રહેવું પડશે.
લંડનની ફલાઇટ અત્યાર સુધી ઇરાન એરસ્પેસમાંથી લંડન પહોંચતી હતી, જેનું 6667 કિ.મી.નું અંતર કાપવામાં નવ કલાકનો સમય લાગતો હતો. હવે ઇરાને કરેલા હુમલાને લઈ એર ઇન્ડિયાએ ઇરાન એરસ્પેસના બદલે ફરીને કઝાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરી લાંબા રૂટ પરથી ઉડાન ભરવાનું નક્કી કર્યું છે. એર ઇન્ડિયા મેનેજમેન્ટે જણાવ્યું કે, ‘દેશો વચ્ચે સમાધાન નહીં થાય ત્યાં સુધી એર ઇન્ડિયા અમદાવાદ-લંડન માટે કઝાકિસ્તાન રૂટ પરથી ફલાઇટની અવરજવર કરશે. આ દરમિયાન અમે કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા માગતા નથી.’
લંડનથી અમદાવાદ આવતા 200 પેસેન્જરો અટવાયા
ઇરાનની એરસ્પેસ બંધ કરાતાં શનિવારે એરઇન્ડિયાની લંડનથી અમદાવાદ આવતી ફલાઇટને ગ્રાઉન્ડ કરવાની ફરજ પડી હતી. ઇરાનને બદલે કઝાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી બાકી હોવાથી લંડનથી આવતા 200 જેટલા પેસેન્જરો અટવાઈ
પડ્યા હતા.


comments powered by Disqus