નવી દિલ્હીઃ ઈલેક્ટ્રોનિક કાર નિર્માતા કંપની ટેસ્લાના માલિક એલન મસ્ક આ મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત માટે ભારત આવવાની યોજના ઘડી રહ્યા છે જ્યાં ભારતમાં રોકાણ અને એક નવી ફેક્ટરી શરૂ કરવાની યોજના અંગે વાતચીત થવાની સંભાવના છે. અહેવાલો અનુસાર 22 એપ્રિલથી શરૂ થવા જઈ રહેલા સપ્તાહમાં એલન મસ્ક ભારત પ્રવાસે રહેશે. મનાઈ રહ્યું છે કે એલન મસ્ક પોતાના ભારત પ્રવાસમાં પોતાની રોકાણ યોજનાઓ અને ભારતમાં ઇલેક્ટ્રિક કાર નિર્માણના પ્લાન્ટ અંગે એલાન કરી શકે છે. ભારતના ગ્રાહકો ટેસ્લાની કારોની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રતન ટાટાની કંપની અને એલન મસ્કની ટેસ્લા વચ્ચે એક મોટો કરાર થયો હોવાનું સામે આવ્યું છે. ટેસ્લાએ પોતાની કાર માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પાસેથી સેમિકંડક્ટર ચિપ્સ ખરીદવા માટે આ મોટો સોદો કર્યો હોવાની ચર્ચા છે.
