રાજકોટઃ મહારાજા અને ભાજપ અગ્રણી માંધાતાસિંહે પ્રથમ વખત પરસોત્તમ રૂપાલા અંગેના વિવાદ પર પોતાનું મૌન તોડ્યું હતું. એક તરફ તેઓએ પરસોતમ રૂપાલાએ જે વિધાનો કર્યાં તેનાથી તેમના હૃદય, મનને જબરો આઘાત લાગ્યો હોવાનું જણાવ્યું હતું અને જાહેરજીવનની વ્યક્તિએ વાણીનો સંયમ રાખવો જોઈએ તેવી પણ સલાહ આપી હતી. બીજી તરફ તેઓએ પોતાની પત્રકાર પરિષદના અંતે આ મામલે ઝડપથી માર્ગ શોધવાની પણ હિમાયત કરી હતી. જો કે તેઓએ પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું નથી.
અગાઉ આ વિવાદમાં વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહજી ઝાલા ઉપરાંત દાતાના રાજવી પરિવારના સિદ્ધિરાજસિંહ રૂપાલાને માફ કરી દેવાના અને ક્ષત્રિય સમાજને હાથો ન બનાવવા અપીલ કરી છે. વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ તો ભાજપના રાજ્યસભાના સભ્ય છે, તેમણે કહ્યું કે, ચૂંટણીમાં કોને ટિકિટ આપવી તે જે-તે પક્ષનો અધિકાર છે અને કોઈ સમાજ તેમાં પક્ષને કોઈ ફરજ પાડી શકે નહીં. જો કે અગાઉ રાજપીપળાના મહારાણીએ ક્ષત્રિય સમાજને ટેકો આપ્યો હતો. ધ્રાંગધ્રાના રાજવી
ડો. જયરાજસિંહ ઝાલા ઉપરાંત વઢવાણ ઠાકોરસાહેબ ચૈતન્યદેવસિંહ ઝાલા, લખતર ઠાકોરસાહેબ બલભદ્રસિંહ ઝાલા, મૂળી ઠાકોરસાહેબ કૃષ્ણકુમારસિંહ ઝાલા, સાયલાના રાજવી સોમરાજસિંહ ઝાલા અને ભાવનગરના રાજવી પરિવારે પણ ક્ષત્રિય સમાજને ટેકો આપ્યો છે.
કાઠી ક્ષત્રિય સમાજની રૂપાલા અને પાર્ટીને સમર્થનની જાહેરાત
ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા મામલે હવે ક્ષત્રિયોમાં ફાંટા પડી રહ્યા છે. સૌરાષ્ટ્રના 6 લાખ સહિત ગુજરાતમાં 14 લાખથી વધુની વસ્તી ધરાવતા કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાના આંદોલનથી પોતાને અલગ કરી દીધો છે અને રૂપાલા તથા ભાજપને સમર્થનની જાહેરાત કરી છે.
રાજકોટ શહેર ભાજપના કમલમ કાર્યાલય ખાતેથી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ મુનાભાઈ વિંછિયાએ રૂપાલા અને ભાજપને સમર્થનની જાહેરાત કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, અમારી કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં તમામ વડીલોએ નિર્ણય કર્યો હતો કે રામભક્તને વરેલા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં સમર્થન આપવામાં આવે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે નેતૃત્વમાં હોય ત્યારે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં વસતો કાઠી-ક્ષત્રિય સમાજ ખભેખભો મિલાવી લોકસભા ચૂંટણીમાં ભાજપને વિજેતા બનાવશે.

