નવી દિલ્હી: રાજકોટ અને જામનગરમાં આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતના વન-વેને પરસોત્તમ રૂપાલાના નિવેદને ડબલ ટ્રેક બનાવી દીધો છે. રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનથી ભાજપને ફાળ પડી છે, તેમ છતાં સૌરાષ્ટ્રની અન્ય 3 બેઠક અમરેલી, જૂનાગઢ અને પોરબંદરમાં ક્ષત્રિય આંદોલનની ચૂંટણી પરિણામ પર અસર થવાની શક્યતા નહિવત્ છે.
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાના એક વિધાનથી થયેલો વિવાદ રાજ્યના સીમાડા વટાવી રાષ્ટ્રીયકક્ષા સુધી પહોંચ્યો છે, છતાં કોંગ્રેસની કરુણતા એ હતી કે, તેને રાજકોટમાં કોઈ ઉમેદવાર મળતા નહોતા. અગાઉ ચૂંટણી લડવા ઇનકાર કરનારા પરેશ ધાનાણી આખરે માની જતાં કોંગ્રેસે ધાનાણીના નામની ઉમેદવાર તરીકે સત્તાવાર જાહેરાત કરી છે. ત્યારે હવે ક્ષત્રિય આંદોલન વચ્ચે લેઉવા પટેલના ગઢ ગણાતા રાજકોટમાં કડવા પટેલ રૂપાલા માટે જીત સરળ નથી.
અમરેલીમાં રૂપાલા વિવાદથી નહીં પણ ત્રણ ટર્મથી ચૂંટાતા નારણ કાછડિયાની ટિકિટ જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરિયાને આપવાનું ભાજપને ભારે પડી શકે છે, કારણ કે અહીં કોંગ્રેસે પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરની પુત્રી જેનીબહેનને મેદાનમાં ઉતાર્યાં છે. લેઉવા પાટીદારોનો ગઢ ગણાતી આ બેઠક પર બંને પક્ષે લેઉવા પાટીદારને જ ટિકિટ ફાળવાઈ છે, પરંતુ અહીં ભાજપનો આંતરકલહ ચરમસીમાએ છે ત્યારે 2009થી જીતતા ભાજપને મોદી લહેર જ તારી શકે છે. જ્યારે પોરબંદરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને જૂનાગઢમાં રાજેશ ચુડાસમાની જીત સરળ દેખાઈ રહી છે, જ્યાં ભાજપે જંગી લીડ માટે મહેનત કરવાની છે.
રાજકોટ રાજ્યમાં સૌથી ચર્ચાસ્પદ બેઠક
ભાજપના ઉમેદવાર રૂપાલાના વિધાનથી થયેલા વિવાદના કારણે ક્ષત્રિય સમાજે આંદોલન છેડ્યું છે. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર 1989થી 2019 સુધી 30 વર્ષમાં માત્ર 2009માં કોંગ્રેસના કુંવરજી બાવળિયા જીત્યા હતા. તે સિવાય અહીં ભાજપ જીતતું આવ્યું છે. આ વખતે રૂપાલા (કડવા) સામે કોંગ્રેસમાંથી ધાનાણી (લેઉવા) વચ્ચે કાંટે કી ટક્કર થશે.
જામનગરમાં પૂનમ માડમની કસોટી
લોકસભા ચૂંટણીમાં અહીં પણ 1989થી 2019 સુધી 30 વર્ષમાં માત્ર 2009માં વિક્રમ માડમ સિવાય કોંગ્રેસના કોઈ ઉમેદવાર જીતી શક્યા નથી. બે ટર્મથી ચૂંટાતાં ભાજપનાં પૂનમબહેેન માડમ માટે આ વખતે કપરાં ચઢાણ છે, કારણ કે કોંગ્રેસે પાટીદાર ચહેરો જે.પી. મારવિયાને મેદાનમાં ઉતાર્યા છે.
અમરેલીમાં નવા ચહેરાથી ભાજપમાં ઘમાસાણ
લેઉવા પાટીદારોની બહુમતી ધરાવતી આ બેઠક પર બંનેે પક્ષે લેઉવા ઉમેદવારને ટિકિટ મળી છે. ભાજપે કાછડિયાની ટિકિટ કાપી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયાને મેદાને ઉતારતાં અસંતુષ્ટો રોષમાં છે. પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરની પુત્રી જેનીબહેન શિક્ષિત અને પ્રભાવી ચહેરો હોઈ રસાકસી નિશ્ચિત છે.
જૂનાગઢમાં ભાજપ ચૂડાસમાને રિપીટ કરી સલામત
કોંગ્રેસને જૂનાગઢમાં 2004 પછી ક્યારેય લોકસભા ચૂંટણીમાં જીતનો સ્વાદ નસીબ થયો નથી. ભાજપે અહીં ઉમેદવાર જાહેર કરવામાં સમય લીધો હતો, પરંતુ રાજકોટ અને અમરેલીમાં આંતરકલહ જોયા બાદ બે ટર્મથી ચૂંટાતા બહુમત કોળી સમાજના રાજેશ ચૂડાસમાને રિપીટ કરવાનું શાણપણ દાખવ્યું હતું.
પોરબંદરથી માંડવિયાની જીત સરળ
ભાજપે અહીં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ગત લોકસભાની ચૂંટણી હારેલા ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને રિપીટ કર્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા મોઢવાડિયા અને લાડાણી ભાજપમાં ભળી જતાં અને વિધાનસભાની પેટાચૂંટણી લડતા હોઈ અહીં ભાજપ માત્ર જયેશ રાદડિયાને સાચવી લે તો જીત સરળ છે.
વિધાનસભાની 35 બેઠક પૈકી 32 પર ભાજપ
રાજકોટ, જામનગર જૂનાગઢ, અમરેલી અને પોરબંદરના લોકસભા મતક્ષેત્રમાં વિધાનસભાની 35 બેઠક આવે છે. જેમાંથી ગત 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 28 બેઠક જીતી હતી. ત્યારબાદ કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપનો ખેસ પહેરી લીધો અને કુતિયાણાથી સપાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને ટેકો આપ્યો, જ્યારે વિસાવદર બેઠકમાં આપના ધારાસભ્ય ભૂષત ભાયાણીને ગેરલાયક ઠેરવવા કોર્ટમાં કેસ થતાં તેઓ પણ ભાજપમાં ભળી ગયા છે.

