જૂનાગઢઃ વિસાવદરના ધારાસભ્યએ રાજીનામું ધરી દેતાં હવે આ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. વિધાનસભાની વિસાવદર બેઠકની પેટાચૂંટણી સંભવતઃ લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે જ યોજાય એવું 10 વર્ષ બાદ ફરી બનવા જઈ રહ્યું છે. વર્ષ 2013થી લઈને આજ સુધીમાં આ બેઠક પરના 3 ધારાસભ્યએ રાજીનામાં આપ્યાં છે, અને હવે જો રીબડિયા ભાજપમાં ભળે તો એ સ્પષ્ટ થશે કે ત્રણેયે પક્ષ બદલવા સાથે રાજીનામાં ધરી દીધાં હતાં. હાલ એટલું ચોક્કસ કે ત્રણેયે જે પક્ષમાંથી ચૂંટાયા તેને છેહ દીધો હતો.
કેશુભાઈ પટેલ ભાજપ સાથે છેડો ફાડી પોતાના નવા પક્ષ જીપીપી (ગુજરાત પરિવર્તન પાર્ટી)માંથી વર્ષ 2012માં વિસાવદર વિધાનસભા બેઠક પરથી લડીને જીત્યા હતા. ત્યારબાદ એકાદ વર્ષમાં કેશુભાઈએ રાજીનામું ધરી દીધું. ત્યારની પેટાચૂંટણીમાં અહીંના મતદારોએ કેશુભાઈના પુત્ર ભરતને ભાજપમાંથી 13 હજાર મતે હરાવ્યા અને હર્ષદ રીબડિયાને કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટી કાઢ્યા હતા.
એ પેટાચૂંટણી કોંગ્રેસમાંથી લડી ધારાસભ્ય બનેલા હર્ષદ રીબડિયા વર્ષ 2017માં પણ કોંગ્રેસમાંથી સામાન્ય ચૂંટણી લડીને વિજેતા બન્યા, પરંતુ વર્ષ 2022માં વિધાનસભાની મુદ્દત પૂર્ણ થાય તે પહેલાં હર્ષદ રીબડિયાએ ધારાસભ્ય તરીકે રાજીનામું આપી કોંગ્રેસમાંથી ભાજપમાં ભળ્યા હતા. પક્ષપલટુ રીબડિયાનો 2022ની સામાન્ય ચૂંટણીમાં કારમો પરાજય થયો અને તેની સામે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા ભૂપત ભાયાણી ચૂંટાયા હતા. ભાયાણીએ પણ ચૂંટાયાના એકાદ વર્ષમાં જ પ્રજામતનો દ્રોહ કરી વિધાનસભાના સભ્ય તરીકે રાજીનામું ધરી દીધું છે.

