અમદાવાદઃ થોડા જ સમયમાં આપણે એક ખૂબ જ પવિત્ર ક્ષણના સાક્ષી બનવાના છીએ અને દરેક ભારતીય આ ક્ષણની કેટલાંય વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. 22 જાન્યુઆરી 2024ના દિવસે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થશે અને દરેક રામભક્ત ત્યાં જઈ ભગવાનનાં દર્શન કરી શકશે. જેમજેમ આ પવિત્ર દિવસ નજીક આવતો જાય છે, તેમતેમ દરેક વ્યક્તિનો ઉત્સાહ વધતો જાય છે. દરેક વ્યક્તિ વિવિધ રીતે આ ક્ષણને યાદગાર બનાવવાનો પ્રયત્ન કરે છે. આવો જ એક પ્રયત્ન અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતાં 51 વર્ષીય શિલ્પા આશુતોષ ભટ્ટે કર્યો છે, તેમણે ચોકલેટમાંથી રામમંદિરની પ્રતિકૃતિ બનાવી છે. આ વિશે શિલ્પાબહેને કહ્યું કે, ‘અત્યારે દેશની દરેક વ્યક્તિમાં ભગવાન રામના મંદિરને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે 2020માં મંદિરનો શિલાન્યાસ થયો ત્યારે જ મને એવી ઇચ્છા હતી કે હું કોઈ રીતે આ ક્ષણમાં સહભાગી બનું અને મને ચોકલેટમાંથી રામમંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો.

