જામનગરઃ પ્રાણીઓના અનહદ ચાહક અને ભગવાન દ્વારકાધીશના પરમ ભક્ત એવા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગની જામનગરનાં આંગણે રિલાયન્સમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આ તૈયારીઓમાં આજે અંબાણી પરિવારનાં આમંત્રણનું કાર્ડ વાયરલ થયું છે જે અનુસાર કોકિલાબેન અને ધીરૂભાઈ અંબાણીના તથા પૂર્ણિમાબેન અને રવીન્દ્રભાઈ દલાલના આશીર્વાદથી જામનગરને આંગણે તા.1-2-3 માર્ચ 2024ના પ્રિ-વેડિંગના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. શ્રીમતી નીતા અંબાણી અને મુકેશ અંબાણીના પુત્ર અનંતના વિવાહ શ્રીમતી શેલા અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થવા જઈ રહ્યા છે અને સતત ત્રણ દિવસ ચાલનારા આ પ્રિ-વેડિંગ સમારોહમાં બોલીવૂડના કલાકારો, મ્યુઝિશિયનો અને દેશના ટોચના ઉદ્યોગકારો, રાજકારણીઓને નિમંત્રણ પહોંચતું થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. નાથદ્વારામાં શ્રીનાથજી મંદિર ખાતે 29- 12-2022ના રોજ અનંત અને રાધિકાનો રોકા કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ બન્નેએ ભગવાન દ્વારકાધીશના અને સિદ્ધિ વિનાયક ગણપતીજીના પણ આશીર્વાદ મેળવ્યા હતા.
ત્યાર પછી મુંબઈ સ્થિત અંબાણીના ભવ્ય બંગલા એન્ટાલિયામાં ગુજરાતી શૈલી મુજબ ગોળ-ધાણા અને અન્ય સગાઈની વિધિ કરવામાં આવી હતી જેમાં બોલિવૂડ કલાકારો અને વીવીઆઇપીઓએ હાજરી આપી હતી. હવે લગ્નવિધિ જામનગર સ્થિત રિલાયન્સ સંકુલમાં પૂર્ણ થશે. અત્રે નોંધનીય છે કે, અનંત અંબાણીને પ્રાણીઓ પ્રત્યેના અનહદ પ્રેમને કારણે તેઓનું જે પ્રિ-વેડિંગની એડવાન્સ જાણ માટેનું નિમંત્રણ કાર્ડ વાયરલ થયું છે તેમાં હાથી, મદનિયા, ચિતા, સિંહ અને જંગલની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે.

