અમદાવાદઃ જામજોધપુરમાં સને 1990ના ચકચારભર્યા કસ્ટોડિયલ ડેથ કેસમાં ખંભાળિયા સેશન્સ કોર્ટે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ. પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિહ ઝાલાને ફટકારેલી જન્મટીપની સજાને પડકારતી સંજીવ ભટ્ટની અરજી ફગાવી દઈ ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે નીચલી કોર્ટના હુકમને સ્પષ્ટ બહાલી આપી હતી. હાઈકોર્ટે સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને ફટકારેલી સજા યથાર્થ ગણાવી હતી અને નીચલી કોર્ટના સજાના આ હુકમમાં દરમ્યાનગીરી કરવાનો સાફ ઈનકાર કરી દીધો હતો.
વર્ષ 1990માં જામનગરના જામજોધપુરમાં લાલકૃષ્ણ અડવાણીની એકતા યાત્રા વખતે ભારત બંધનું એલાન અપાયું ત્યારે કોમી તોફાનો ના થાય તેની દહેશતમાં જામનગર જિલ્લાના તત્કાલીન આઇપીએસી સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ અધિકારીઓએ 133 વ્યક્તિની ટાડા હેઠળ ધરપકડ કરી માર માર્યો હતો. જેમાં પ્રભુદાસ માધવભાઈ વૈષ્ણવ નામના વેપારીનું કસ્ટડીમાં 18-11-1990એ મોત નીપજયું હતું. જે અંગે તેના ભાઈએ સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ખંભાળિયા સેશન્સ કોર્ટે 29 વર્ષે ચુકાદો આપી પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાને જન્મટીપની આકરી સજા ફટકારી હતી, જ્યારે 3 કોન્સ્ટેબલ અને પીએસઆઇ શૈલેષ પંડ્યા અને દીપકકુમાર શાહને બે-બે વર્ષની સજા કરવામાં આવી હતી.

