કેનેડા બોર્ડરે ઠંડીથી મૃત્યુની ઘટનાના તાર કબૂતરબાજી સાથે જોડાયેલા હોવાનું ખૂલ્યું

Wednesday 17th January 2024 04:53 EST
 
 

અમદાવાદઃ ભૂતકાળમાં ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા પરિવારના સભ્યો પૈકી કેટલાકનાં બોર્ડર પર ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી, તો કેટલાક લોકોનાં બોટ ઊંધી થઈ જતાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં. જ્યારે ઘણા બધા લોકો હાલમાં પણ લાપતા છે. જેથી અગાઉના કબૂતરબાજીના કૌભાંડનું કનેક્શન પણ આ જ કૌભાંડ સાથે હોવાની પૂરેપૂરી શક્યતાના આધારે સીઆઇડી ક્રાઇમે તે દિશામાં તપાસ કરી રહી છે. કેટલીક ઘટનામાં ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા પરિવારના સભ્યો કેનેડા-અમેરિકા બોર્ડર પર ઠંડીમાં ઠુંઠવાઈ જવાથી મૃત્યુ પામ્યાં હતાં, જેમાંથી એક કૌભાંડમાં પોલીસે બોબી પટેલ અને તેના માણસોની ધરપકડ કરી હતી.
જો કે ઘણા બધા લાપતા પરિવાર એવા પણ છે કે તે ઘટનાઓમાં હજુ સુધી પોલીસને કોઈ જ નક્કર કડી મળી નથી. ઠંઠીમાં ઠુંઠવાઈ જવાથી તેમજ બોટ ઊંધી વળવાથી કેટલાંક લોકોનાં મૃત્યુ થયાં હોવાની ઘટનાનો ઉલ્લેખ સીઆઇડી ક્રાઇમે કબૂતરબાજીના આ કૌભાંડની ફરિયાદમાં કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, તે દિશામાં પણ હાલમાં તપાસ ચાલી રહી છે.
14 એજન્ટે 1500 લોકોને અમેરિકામાં ઘુસાડ્યા
કબૂતરબાજી મારફતે 14 એજન્ટે છેલ્લા દોઢ વર્ષમાં લગભગ 1500 લોકોને અમેરિકામાં ઘુસાડ્યા હોવાનું સીઆઇડી ક્રાઇમની તપાસમાં ખૂલ્યું છે. આ રીતે અમેરિકા ગયેલા લોકોમાં લગભગ 800થી વધુ તો ગુજરાતી છે.
તપાસમાં ખૂલેલી વિગત મુજબ ગત ડિસેમ્બરમાં જ આ 14 એજન્ટે લગભગ 600 લોકોને અમેરિકા પહોંચાડ્યા હતા. સીઆઇડી ક્રાઇમનાં સૂત્રોના જણાવ્યા અનુસાર એક વ્યક્તિને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવા બદલ પ્રત્યેક એજન્ટને રૂ. 8થી 10 લાખ મળતા હતા. આ 14 એજન્ટ સામે સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ પણ ચાલી રહી છે.
300 લોકોને દુબઈથી ચાર્ટર્ડ ફ્લાઇટ કરી નિકારાગુઆ લઈ જઈ ત્યાંથી મેક્સિકોના રૂટનો ઉપયોગ કરી અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવાનું કાવતરું હતું, પરંતુ ફ્રાન્સમાં તપાસ પછી કબૂતરબાજીનું કૌભાંડ પ્રકાશમાં આવતાં 66 ગુજરાતી સહિત લગભગ 300 ભારતીયોને મુંબઈ પાછા ધકેલવામાં આવ્યા હતા. એજન્ટો એક વ્યક્તિને અમેરિકા ગેરકાયદે મોકલવા માટે રૂ. 60થી 80 લાખ પડાવતા હતા. સમગ્ર કૌભાંડમાં કલોલ અને વલસાડ ઉપરાંત મુંબઈ, દિલ્હી તેમજ દુબઈના એજન્ટો પણ સામેલ છે.
સમગ્ર પ્રકરણમાં દિલ્હીના એજન્ટોની સૌથી મોટી ભૂમિકા છે. પંજાબમાં વસતા લોકોને ગેરકાયદે અમેરિકા પહોંચાડવા એજન્ટોએ આખી ચેનલ ગોઠવી હતી. જો કે ચાર્ટર્ડ વિમાનમાં જગ્યા ખાલી પડતી હોવાથી ગુજરાતના એજન્ટોનો સંપર્ક કરી ગેરકાયદે અમેરિકા જવા ઇચ્છતા લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા. ભારત પાછા ધકેલાયેલા લોકોની પૂછપરછ પરથી જાણવા મળ્યું હતું કે, કેટલાક લોકો પાસે 30 દિવસના તો કેટલાક પાસે 3 મહિનાના દુબઈના વિઝિટર વિઝા હતા. તમામને લિજન્ડ એરવેઝની ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે નિકારાગુઆ અને ત્યાંથી મેક્સિકો થઈ અમેરિકા મોકલવાના હતા.
વ્યક્તિદીઠ 3 હજાર ડોલર લેવાયા
ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ફ્યુઅલ ભરાવવા ઊભા રહેલા ચાર્ટર્ડ વિમાનમાં બેઠેલા લોકો પાસે દસ્તાવેજો ન હોવાની માહિતી મળી જતાં ફ્રાન્સની પોલીસે તપાસ કરી હતી. તમામ લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવાના હોવાનું પકડાતાં ફ્રાન્સથી જ પાછા ધકેલવામાં આવ્યા હતા. પરત આવેલા ગુજરાતીઓની પૂછપરછમાંથી જાણવા મળ્યું હતું કે, મેક્સિકોની બોર્ડર ક્રોસ કરાવી અમેરિકામાં ઘૂસવાની વ્યવસ્થા કરી આપતા એજન્ટને વ્યક્તિદીઠ 3 હજાર ડોલર આપવામાં આવ્યા હતા. સમગ્ર કૌભાંડમાં 14 એજન્ટોના સાગરીત અમેરિકામાં હોવાનું પણ ખૂલ્યું છે.
ફ્રાન્સની ઘટના બાદ 9 એજન્ટ ફરાર
કબૂતરબાજીથી દુબઈથી નિકારાગુઆ અને ત્યાંથી મેક્સિકોના રસ્તે અમેરિકામાં લોકોને ઘુસાડવા ગયેલી ફ્લાઇટને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકી દેવાઈ, ત્યારથી જ કૌભાંડમાં સામેલ ગુજરાતના 9 એજન્ટ ફરાર થઈ ગયા હતા. તેમાંથી પણ અમુક એજન્ટ તો વિદેશ ભાગી ગયા છે. જેથી તે તમામ વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. જ્યારે દુબઈ, દિલ્હી અને મુંબઈના 5 એજન્ટની તપાસ કરવા માટે સીઆઇડી ક્રાઇમ દિલ્હી અને મુંબઈ પણ ગઈ હતી. જો કે ત્યાં કોઈ પણ મળી આવ્યા ન હતા.


comments powered by Disqus