ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સમાપન સમારોહમાં ભાગ લેવા આવેલા જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે, આજે ભારત આગળ વધી રહ્યું છે અને જમ્મુ-કાશ્મીર પણ પ્રયત્ન કરે છે. આખા દેશમાં ઉદ્યોગોને સૌથી સારું ઇન્સેન્ટિવ અને સૌથી સસ્તી વીજળી અમે આપીએ છીએ. સંસદમાં રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના રાજ્યવાર અપરાધના જે આંકડા રજૂ કરાય છે, તેમાં ગુજરાતથી અમે ઘણા નીચે હોવાથી કાશ્મીરમાં ઉદ્યોગોને રોકાણ કરવા વધુ સારું વાતાવરણ છે.
સિન્હાએ કહ્યું કે, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહે લીધેલાં પગલાંને કારણે આતંકવાદ ત્યાં પોતાની આખરી પળો ગણી રહ્યું છે. આથી અહીં રોકાણ કરવાથી તમને નફો તો મળશે જ, સાથે જમ્મુ-કાશ્મીર દેશનો અભિન્ન ભાગ બની રહે અને તે માટેના પવિત્ર કામમાં પણ તમારો સહયોગ રહેશે. મોદી અને શાહે જમ્મુ-કાશ્મીરને વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા લાયક પ્રાંત બનાવ્યો છે. અમારી નવી ઉદ્યોગનીતિના શિલ્પકાર અમિત શાહ છે, તેને કારણે ત્યાં 90 હજાર કરોડના રોકાણ કરાર થયાં અને તે પૈકી 15 હજાર કરોડના પ્રોજેક્ટ શરૂ પણ થઈ ગયા છે.

