જૂનાગઢ: ગુજરાતમાં જૂનાગઢ ખાતે આયોજિત ‘આઇ સોનલ મા’ના જન્મ શતાબ્દી સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, દેશની અખંડિતતા અને એકતાનાં તેઓ મજબૂત પ્રહરી હતાં. ભારતના ભાગલા વખતે જ્યારે જૂનાગઢને તોડવાનાં કાવતરાં થતાં હતાં, ત્યારે સોનલ મા ચંડીની જેમ ઊભાં હતાં. સોનલ માએ વ્યસન અને નશાના અંધકારમાં ડૂબેલા સમાજને બહાર લાવીને નવી રોશની આપી હતી. સોનલ માએ સમાજને કુરીતિથી બચાવવાનું કામ કર્યું હતું. તે આધુનિક યુગ માટે પ્રકાશસ્તંભ સમાન હતાં. સોનલ માનું પૂરું જીવન જનકલ્યાણ માટે સમર્પિત રહ્યું હતું. આ તકે પ્રધાનમંત્રીએ 22મી જાન્યુઆરીએ રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના દિવસે સૌને ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રજ્વલિત કરવાનો આગ્રહ કર્યો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કેશોદના મઢડા ગામે સોનલધામ ખાતે આઇશ્રી સોનલ માના 100મા જન્મ દિવસની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવી. આ મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કથાકાર મોરારિબાપુ તેમજ સંતો-મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતાં.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, સોનલ માએ મહાન લોકો ભગતબાપુ, વિનોબાભાવે, રવિશંકર મહારાજ, કાનભાઈ લહેરી, કલ્યાણ શેઠ સાથે દેશ, સમાજ અને ધર્મના કલ્યાણ માટે આજીવન સેવા આપી હતી.
પ્રધાનમંત્રીએ પૂરા ચારણ સમાજ અને તેના વહીવટદારોને અભિનંદન આપતાં કહ્યું હતું કે. મઢડા ચારણ સમાજની શક્તિ, પરંપરા અને વિધિવિધાનોનું કેન્દ્ર છે. હું સોનલમાને મારા વંદન પાઠવું છું. મા સરસ્વતિનો ચારણ સમાજ પર કૃપા છે.

