પોલીસ વિરુદ્ધની કોઈપણ ફરિયાદ ટોલ ફ્રી નંબર 14449 પર કરી શકાશે

Wednesday 17th January 2024 04:53 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં હવે કોઈપણ વ્યક્તિ પોલીસ વિરુદ્ધ કોઈપણ પ્રકારની ફરિયાદ 14449 નંબરની હેલ્પલાઇન પર સીધી જ કરી શકશે. ઉચ્ચ સત્તાવાળાઓ દ્વારા નાગરિકોની પોલીસ વિરુદ્ધ કરાયેલી કોઈપણ પ્રકારની ફરિયાદનું તાકીદે નિરાકરણ કરવામાં આવશે. ઓગણજ ટોલટેક્સ પાસે થોડા સમય પહેલાં રાત્રીના સમયે એક દંપતીને વાહન ચેકિંગના બહાને રોકી પોલીસ દ્વારા કરાયેલા તોડકાંડ કેસમાં હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલમાં ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિરુદ્ધની ફરિયાદ માટેનો આ 14449 ડેડીકેટેડ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો.
આગામી પંદર દિવસમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત્ થઈ જશે તેવી ખાતરી પણ સરકાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ આપવામાં આવી હતી. હાઇકોર્ટે આ હેલ્પલાઇન નંબરની બહોળી પ્રસિદ્ધિ અને સામાન્ય લોકોને ખબર પડે તે રીતે જાહેરાત કરવા અને આ અંગે જાગૃતિ ફેલાવવા પણ સરકારને નિર્દેશ કર્યો હતો.
અગાઉની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, શહેરનાં પોલીસ સ્ટેશન, સરકારી કચેરી, ટોલ પ્લાઝા અને ટ્રાફિક પોઇન્ટ પર હેલ્પલાઇનનાં બેનર લગાવાશે.


comments powered by Disqus