નવી દિલ્હીઃ ઇન્ડિગો વિમાનમાં કેપ્ટન સાથે મારામારી કરવાનો એક બનાવ સામે આવ્યો છે. વિમાનના ઉડ્ડયનમાં મોડું થયું હોવાથી નારાજ થયેલા એક મુસાફરે કેપ્ટનને મુક્કો મારી દીધો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. દિલ્હીથી ગોવા જનારી ઇન્ડિગોની ફ્લાઇટ 6-ઈ-2175 ધુમ્મસ હોવાના લીધે ઘણા કલાકો મોડી આવી હતી. વાઇરલ વીડિયોમાં પીળા રંગની હૂડી પહેરેલો એક શખ્સ અચાનક દોડતો પાઇલટ પાસે જાય છે અને તેને મુક્કો મારી દે છે. હકીકતમાં પાઇલટ વિમાન મોડું પડ્યા અંગેની માહિતી આપી રહ્યો હતો. આ પાઇલટે અન્ય એક પાઇલટની જગ્યા લીધી હતી.
બનાવ બાદ હુમલો કરનારા શખ્સે તરત જ વિમાનની બહાર મોકલી દેવાયો હતો અને અધિકારીઓને સોંપી દેવાયો હતો. ઇન્ડિગોએ સાહિલ કટારિયા નામના મુસાફર સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ બાબતે ઇન્ડિગોએ આંતરિક તપાસ માટે પેનલ બનાવી છે. આરોપી મુસાફરનું નામ ‘નો- ફ્લાય લિસ્ટ’માં ઉમેરવામાં આવી શકે છે. ફરિયાદના આધારે પોલીસે સાહિલ કટારિયાની ધરપકડ કરી છે.

