ભાદરણઃ વિદેશમાં રહી દેશનું નામ રોશન કરનારા સી.બી. પટેલે તેમના પૈતૃક ગામ ભાદરણની મુલાકાત લીધી હતી. 11 જાન્યુઆરીએ તેઓ આવી રહ્યા છે તે સમાચારથી જ ગ્રામજનો ઉપરાંત સરપંચ અને નાયબ સરપંચ દ્વારા અનેરો ઉત્સાહ દાખવાયો હતો અને તેમના સ્વાગતની તૈયારીઓ કરાઈ હતી. તેઓ આવવાના હોવાથી ગામમાં અને બોરસદમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને ગ્રામજનોને તેમના વહાલા સી.બી. પટેલ આવવાના હોવાની માહિતી પહોંચાડવામાં આવી હતી.
11 જાન્યુઆરીએ તેમના ભાદરણ પહોંચતાં સત્કાર-સ્વાગત કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી શરૂ કરાઈ હતી. જે બાદ મંચસ્થ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરાયુંું હતું. સરપંચ ઉદયભાઈ પટેલ દ્વારા સી.બી. પટેલન, ડે. સરપંચ ચંદ્રકાંતભાઈ દ્વારા સુભાસભાઈ પટેલનું, નાયબ સરપંચ ઇલેશભાઈ દ્વારા મહેશ નટુભાઈ પટેલનું, પંચાયત સભ્ય ભાર્ગવીબહેન દ્વારા કલ્પનાબહેન પટેલનું, પંચાયત સભ્ય કૈલાસબહેન દ્વારા માયાબહેન દીપકનું અને ફરસુભાઈ પટેલ દ્વારા સરપંચ ઉદયભાઈ પટેલનું સ્વાગત કરાયું હતું.
સી.બી. પટેલનું સ્વાગત કર્યા બાદ સરપંચ ઉદયભાઈ પટેલ, નાયબ સરપંચ ઇલેશભાઈ પટેલ, ભાદરણ એનઆરઆઇ ગ્રૂપના વડીલો દ્વારા અને ગ્રામજનો દ્વારા શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. તો સેવા સહકારી મંડળીના બ્રિજેશભાઈ, ઇલેશભાઈ, ગ્રાહક ભંડાર વતી નીતિનભાઈ, ભાદરણ દૂધ ઉત્પાદક મંડળી વતી નાયબ સરપંચે, બ્રાહ્મણ સમાજ દ્વારા મનોજભાઈ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વતી જિતુભાઈ, ગ્રામપંચાયતના સરકારી વહીવટકર્તા તલાટી કમ મંત્રી ધવલસિંહ, પંચાયતમાં સક્રિય સભ્ય બહેનો ભાર્ગવીબહેન અને કૈલાસબહેન અને જુનિયર તલાટી દ્વારા પુષ્પગુચ્છ અને શાલથી સી.બી. પટેલનું સન્માન કર્યું હતું.
નાયબ સરપંચ દ્વારા ગ્રામજનોને સી.બી. પટેલે ભાદરણ માટે કરેલાં કામ, અહીંના તેમના અભ્યાસ, યુકેમાં તેમની સિદ્ધિ અને જીવન કવન અંગે ગ્રામજનોને વાકેફ કર્યા હતા. નાયબ સરપંચે કહ્યું કે, સી.બી. પટેલ સેવાકાર્ય સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓમાં કાર્યરત્ છે. તેઓ યુકેમાં પણ અનેક સેવા સંસ્થાઓ સાથે જોડાયેલા છે. લંડનમાં ઇસ્કોન અંતર્ગત રાધાકૃષ્ણ મંદિર બનાવવાના તેમના કાર્યની પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ નોંધ લેવાઈ હતી, અને તેઓ આ કાર્ય માટે પધાર્યા પણ હતા. સી.બી. પટેલે જ્યારે ભાદરણથી વિદેશગમન કર્યું ત્યારે તેઓ પ્રથમ આફ્રિકા અને ત્યાર બાદ યુકે સ્થાયી થયા. યુકેમાં તેઓએ એબીપીએલના માળખાને ઊભું કર્યું અને તે અંતર્ગત અંગ્રેજી અખબાર એશિયન વોઇસ અને ગુજરાતી અખબાર ગુજરાત સમાચાર શરૂ કર્યંા, જેના દ્વારા તેઓએ યુકેમાં વસતા ગુજરાતીઓને ગુજરાત સાથે બાંધી રાખવાનું ભગીરથ કાર્ય કર્યું. તેમના આ કાર્યને ધ્યાને લઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા તેમને પ્રવાસી ભારતીય તરીકે બહુમાન પણ કરવામાં આવ્યું હતું.
આ નિમિત્તે મંચ પરથી સી.બી. પટેલે લોકોને સંબોધતાં જણાવ્યું કે, મારા જેવા એનઆરઆઇ માટે રઘુવીરભાઈ અને નવનીતભાઈ ભાદરણ અને અમારા વચ્ચેનો એક સેતુ-એક સાંકળસમાન બની રહ્યા છે, જેઓ અમને ભાદરણની સાથે જોડીને રાખે છે. તો લંડનથી મયંક પટેલ મારા માટે અને દેશ માટે મોટી ભેટસમાન છે, જેમણે લંડનથી જ દેખરેખ રાખી આ આખા કાર્યક્રમનું સંચાલન કર્યું છે.
સી.બી. પટેલે મંચ પરથી પોતાના ગ્રામજનોને લાગણી સાથે સંબોધતાં જણાવ્યું કે, આટલાં વર્ષો - દાયકાઓ બાદ આજે હું કેટલાકને જાણું છું, કેટલાકને નથી જાણતો અને કેટલાકને યાદ કરવાનો પ્રયત્ન કરું છું. યુકેમાં જ્યારે કોઈ ભાદરણવાસી મળે છે, ત્યારે મારી ધરતી સાથેનો મારો સંબંધ તાજો થઈ જાય છે. તેમની સાથે ભાદરણની શાળા, મંદિરો, વડીલોની યાદો તાજા થઈ જાય છે.
વર્ષ 1880 માં ભાદરણમાં પ્રગતિનો જુવાળ હતો. જે-તે સમયે સયાજીરાવ આવ્યા ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અદભુત વિકાસ થયો. ભાદરણના સાહસિક હતા તુલસીભાઈ જેવા બિલ્ડર. ભાદરણની બહાર તેઓ નીકળ્યા, પરંતુ ગાયકવાડી સરકાર અને ભાદરણ સાથેનો તેમનો સંબંધ યથાવત્ જ રહ્યો હતો. આપણે બધા નસીબદાર છીએ કે અનેક વિભૂતિઓની જન્મભૂમિ ભાદરણના આપણે વતની છીએ. ભાવનાશીલ થઈ સી.બી. પટેલે કહ્યું કે, ‘પોતાના ગામમાં પોતાનાં ભાઈ-બહેન સન્માન કરે તેનાથી વિશેષ કંઈ જ નથી.’

