અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન રામલલ્લાની થનારી પ્રાણપ્રતિષ્ઠા અંગે દેશવાસીઓમાં ઘણી ખુશી અને ઉમળકો જોવા મળી રહ્યા છે. વિશ્વભરના કરોડો લોકો આ ઘટનાના સાક્ષી બનવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો ભગવાન શ્રીરામ માટે ઘણી તૈયારી કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં રહેતા અપૂર્વ શાહે ભગવાન રામ પ્રત્યેના અનોખા પ્રેમને પુસ્તકનું સ્વરૂપ આપ્યું છે.
અપૂર્વ શાહે ‘રામ-એક આસ્થા કા મંદિર’ નામનું પુસ્તક બનાવ્યું છે. આ પુસ્તકની ખાસિયત એ છે કે, ભગવાન શ્રીરામની તસવીરને જ કટઆઉટ કરીને તેને પુસ્તક દેહ અપાયો છે. છ ફૂટ લંબાઈ ધરાવતું આ પુસ્તક ભગવાનના કટઆઉટને કારણે અદ્વિતીય બની ગયું છે. ભારતમાં રામલલ્લાના જીવન-કવનને રજૂ કરતું આવું અનોખું પુસ્તક ક્યારેય તૈયાર થયું નથી.
અપૂર્વ શાહે કહ્યું, ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે. તેમના જીવન સિદ્ધાંતોથી મનુષ્ય પોતાનું જીવન જીવીને તેમનાં ચરણોમાં સમર્પિત કરવાની પ્રેરણા આપે છે.

