રામમંદિર પ્રાણપ્રતિષ્ઠામાં કોંગ્રેસ સહિત સપા અને બસપાના સુપ્રીમો હાજર નહીં રહે

Wednesday 17th January 2024 05:59 EST
 
 

અયોધ્યાઃ કોંગ્રેસે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને લગતા આમંત્રણને ઠુકરાવ્યું છે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અથવા કોંગ્રેસના કોઈપણ નેતા અયોધ્યા જશે નહીં. આ સિવાય બસપા સુપ્રીમો માયાવતી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ કાર્યક્રમમાં હાજરી નહીં આપે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે નિવેદન આપતાં લખ્યું કે, ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજનને 22 જાન્યુઆરીએ અયોધ્યા રામમંદિરના કાર્યક્રમમાં જોડાવા અંગે આમંત્રણ અપાયું હતું. તેમણે આગળ લખ્યું કે, આપણા દેશમાં ભગવાન રામ લાખો લોકો દ્વારા પૂજવામાં આવે છે. ધર્મ એ ખાનગી બાબત છે. પણ આરએસએસ અને ભાજપે અયોધ્યા રામમંદિરને રાજનીતિનો એક પ્રોજેક્ટ બનાવ્યો છે.
તેમણે લખ્યું કે, આ અર્ધનિર્મિત મંદિરનો ઉદઘાટન સમારોહ ભાજપ અને આરએસએસના નેતાઓએ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આયોજિત કરાયો છે. સુપ્રીમ કોર્ટના 2019ના નિર્ણયનું પાલન અને લાખો રામભક્તોની ભાવનાનું સન્માન કરતાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, અધીર રંજન ચૌધરીએ સન્માનિત રીતે ભાજપ અને આરએસએસના કાર્યક્રમના આમંત્રણનો બહિષ્કાર કર્યો છે.
માયાવતી હાજરી નહીં આપે
લખનઉઃ વિશ્વ હિન્દુ પરિષદે શનિવારે જણાવ્યું હતું કે, બસપા પ્રમુખ માયાવતીને રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. માયાવતીએ આમંત્રણ સ્વીકાર્યું છે, પરંતુ તે આ સમારંભમાં સામેલ નહીં થઈ શકે. ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, તેમને 22 જાન્યુઆરીએ રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠાના સમારંભમાં ભાગ લેવાનું નિમંત્રણ મળ્યું નથી. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે, ઉત્તરપ્રદેશના બંને ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતી અને અખિલેશ યાદવને હાજર થવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિહિપના વડાએ જણાવ્યું હતું કે, અખિલેશ યાદવને કુરિયર દ્વારા આમંત્રણ મોકલાયું હતું. હવે જો તેમને કુરિયર ન મળ્યું હોય તો બીજું મોકલી શકીએ છીએ.


comments powered by Disqus