અમદાવાદઃ અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા ગુજરાતમાંથી કુલ 370 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતમાંથી જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમાં 270 સંત, 100 મહાનુભાવો અને 10 કારસેવકનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ સ્વામિનારાયણ સંતોને પણ આમંત્રણ અપાયું છે. અયોધ્યામાં રામમંદિર આંદોલન અને ગોધરાકાંડમાં જીવ ગુમાવનારા કારસેવકના પરિવારના સદસ્યો, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપકો પણ આમંત્રિતોમાં સામેલ છે.
સુરક્ષાના કારણે માત્ર નિમંત્રણ સાથે આપવામાં આવેલા વિશિષ્ટ કોડ નંબર ધરાવતા લોકોને જ સમારોહમાં પ્રવેશની પરવાનગી અપાશે. આમંત્રિત અતિથિઓએ પોતાના આધારકાર્ડ દ્વારા વેરિફિકેશન કરાવવું પડશે અને આ પછી જ પ્રવેશ મળશે. નિમંત્રણમાં બે કાર્ડ અને એક પુસ્તિકા છે. આ પૈકી એક કાર્ડ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે અને એક કાર્ડ બીજા દિવસે ભગવાન રામનાં દર્શન કરવા માટે છે. નિમંત્રણમાં એવા લોકો માટે કાર પાસ છે, જેઓ પોતાના વાહનથી અયોધ્યા જઈ રહ્યા છે.

