અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી દેશની 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થ ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. આવનારા સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટી શક્તિપીઠ બને તેવી તૈયારી સરકારના નવા પ્રોજેક્ટમાં જોવા મળી રહી છે.
મા અંબાના મંદિર અને વિસ્તારને વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રૂ.2000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીનું મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસનો વિસ્તાર કરવામાં આવશે. અંબાજીનો વિકાસ ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર પણ થશે, જેમાં અન્ય કોરિડોરની માફક ‘જય મા કોરિડોર’ પણ અંબાજી ખાતે બનાવાશે. અહીં દિવસે દિવસે વધી રહેલી યાત્રિકોની સંખ્યાને ધ્યાને લઈને લગભગ રૂ. 2000 કરોડના પ્રોજેક્ટની તૈયારી કરી છે. જેમાં અંબાજીનું મુખ્ય મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ, રેલવે સ્ટેશન અને તેની સાથે અંબાજીમાં ગટર અને પાણી જેવી પ્રાથમિક વ્યવસ્થા પર ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે. અંબાજીનો ડેવલપ પ્લાન પણ બની ગયો છે અને મંજૂરી હેઠળ છે, જે બન્યા બાદ 6 ટીપીની કામગીરી પણ શરૂ કરાશે.
રૂ. 97.32 કરોડનાં કામને મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ આદ્ય શક્તિપીઠ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલાં ગામોમાં પાણીપુરવઠા, ભૂગર્ભ ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનાં કામ હાથ ધરવા રૂ. 97.32 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ગામોમાં દાંતા તાલુકાનાં અંબાજી, ઝરીવાવ, ચીખલા, જેતવાસ, પાન્છા, રીંછડી, કોટેશ્વર અને કુંભારિયાનો સમાવેશ છે. આ ગામોનો વિકાસ થતાં પ્રાથમિક સુવિધા અને સ્વચ્છતા જળવાશે.

