વિદેશમાં ભારતનું ગૌરવ વધારનારા સી.બી. પટેલ સહિત 6 એનઆરજીને સ્પેટ રત્ન એવોર્ડ

Wednesday 17th January 2024 07:23 EST
 
 

આણંદઃ ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન-ગાંધીનગર તથા આણંદસ્થિત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (SPET - ‘સ્પેટ’) સંચાલિત એનઆરજી સેન્ટર દ્વારા આયોજિત એનઆરજી મીટમાં વિદેશમાં રહીને વતનનું ગૌરવ વધારનારા 6 એનઆરઆઇ-એનઆરજીનું NRG-SPET રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સમાચાર-એશિયન વોઇસના પબ્લિશર અને એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલ, કમ્પાલાના પંકજ પટેલ, ઓસ્ટ્રેલિયાના રમેશ પટેલ, યુએસએના વિનોદ પટેલ, અમદાવાદના વત્સલ પટેલ અને બોકારોના ડો. જયદીપ સરકારનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે 110થી વધુ પુસ્તકોના લેખક એવા લાંભવેલના વતની અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા પ્રો. ચંદ્રકાંતભાઈ પટેલ અને તેમનાં પત્નીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી તથા એનઆરજી સેન્ટરના ચેરમેન ડો. ભીખુભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતીઓએ દેશ-વિદેશમાં વસીને પોતાની આગવી કાર્યસૂઝ, કુશળતા અને સાહસવૃત્તિથી વિશ્વભરમાં અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બિનનિવાસી ગુજરાતીઓ જ્યાં વસ્યા છે, ત્યાં ગુજરાતની અસ્મિતાને જીવંત રાખી છે. માતૃભૂમિને સમૃદ્ધ કરવામાં હંમેશાં તત્પરતા દાખવી રાજ્યના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. બિનનિવાસી ગુજરાતીઓને ગુજરાત સાથેના પ્રેમના તાંતણે બાંધી રાખવાના મુખ્ય આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનની રચના કરી હતી, જેમાં સમગ્ર ગુજરાતના એકમાત્ર આણંદમાં શૈક્ષણિક સંસ્થા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટને વર્ષ 2010માં ગુજરાત સરકાર તરફથી એનઆરજી સેન્ટર માટે મંજૂરી અપાઈ હતી. પ્રતિવર્ષ જેમણે પોતાની કુશળતાને કારણે વિદેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે તથા સમાજસેવા અને સંસ્કારસિંચનનાં ઉમદા કાર્યોની નોંધ વૈશ્વિક સ્તરે લેવામાં આવી છે તેવા ઉમદા માનવરત્નોની સેવાની કદર સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સ્પેટ રત્નથી સન્માનિત કરે છે.
આ પ્રસંગે સ્વામી ધર્મબંધુજી, મેજર જનરલ દિલાવરસિંહ, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત મંત્રી ઘનશ્યામ પટેલ, રમેશ પટેલ, મૃદુલાબહેન પટેલ, અન્વેશ પટેલ, રાકેશ શાહ, પંકજ પટેલ, ચમોસ માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલ, લેખક ચંદ્રકાંત પટેલ, એન.એસ. પટેલ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. મોહન પટેલ, બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સના ડિરેક્ટર ડો. અર્પિતા અરોરા, સી.પી. કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. આર.ડી. મોદી, એન.એચ. પટેલ બીએડ્ કોલેજનાં જયશ્રી દીક્ષિત, બિનનિવાસી ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભમાં ડો. પ્રતિક્ષા પટેલે સર્વેનું સ્વાગત કરતાં મહાનુભાવોનો પરિચય આપ્યો હતો. ડો. માલવ પટેલે એનઆરજી સેન્ટરની પ્રવૃત્તિઓ વિશેની જાણકારી આપી હતી. આ પ્રસંગે એનઆરજી સેન્ટરના ચેરમેન ડો. ભીખુભાઈ પટેલે જણાવ્યું કે, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ પરિવાર ઉચિત વ્યક્તિઓનું ઉચિત સમયે સન્માન કરીને સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનું જતન કરી રહ્યો છે, ત્યારે
દર વર્ષે એનઆરજી સ્પેટ રત્ન એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવશે.


comments powered by Disqus