શિંદે જૂથના 16 ધારાસભ્યની માન્યતા યથાવત્, મુખ્યમંત્રીનું જોખમ ટળ્યું

Wednesday 17th January 2024 05:59 EST
 
 

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યની અયોગ્યતા મામલે બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પોતાનો નિર્ણય સંભળાવતા ઠરાવ્યું કે શિંદે જૂથ જ અસલ શિવસેના છે. શિદે જૂથના 16 ધારાસભ્યની માન્યતા યથાવત રહેશે અને શિંદે મુખ્યપ્રધાનપદે જળવાઈ રહેશે. મેં ચૂંટણી પંચના નિર્ણયને ધ્યાનમાં રાખ્યો છે. ચૂંટણી પંચના રેકોર્ડમાં પણ શિદે જૂથ જ અસલ શિવસેના છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે 2002માં ઉદ્ધવ ઠાકરેએ શિંદે જૂથની પક્ષમાંથી કરેલી હકાલપટ્ટી અસ્વીકાર્ય છે. શિવસેનાનું 2018નું સુધારેલું બંધારણ માન્ય ન ગણી શકાય કેમ કે તે ભારતના ચૂંટણી પંચના રેકોર્ડમાં નથી. મેં રેકોર્ડ મુજબ શિવસેનાના 1999ના બંધારણને ધ્યાનમાં રાખ્યું છે, જે મુજબ શિવસેનાના વડા પાસે પક્ષના કોઈ પણ નેતાને હટાવવાનો અધિકાર નથી. શિવસેનાનું તે બંધારણ જ સર્વોપરી છે. શિંદેની વિધાનસભા પક્ષના નેતાપદેથી હકાલપટ્ટી સ્વીકારી શકાય નહીં. અમે શિવસેનાનું 2018નું સુધારેલું બંધારણ સ્વીકારી શકીએ નહીં. તેમણે શિવસેનાના સંગઠનમાં ચૂંટણીનો મુદ્દો પણ ઊઠાવતા કહ્યું કે 2018માં શિવસેનાના સંગઠનની ચૂંટણી નહોતી થઈ. આપણે 2018ના સંગઠનના નેતૃત્વને પણ ધ્યાનમાં રાખવું પડશે.
ઉદ્ધવ જૂથ SCમાં જશે
વિધાનસભા અધ્યક્ષના નિર્ણયથી નારાજ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓ આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે. અમે એ પણ જોઇશું કે આ સુપ્રીમ કોર્ટના અનાદરનો મામલો બને છે કે નહીં? કેમ કે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો તેનું ઉલ્લંઘન કરીને વિધાનસભા અધ્યક્ષે આ નિર્ણય લીધો છે.


comments powered by Disqus