નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ ઘોષિત કર્યો છે. આ મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન પણ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે, 25 જૂન 1975એ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સરકારે દેશમાં ઇમર્જન્સી જાહેર કરી હતી. આ અંતર્ગત મોદી સરકાર દ્વારા કોંગ્રેસને ઘેરતાં આ દિવસને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઘોષિત કર્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી હતી. જેમાં જણાવ્યું કે, 25 જૂન 1975એ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધઘીએ તાનાશાહીની માનસિકતાનો પરિચય આપતાં દેશ પર ઇમર્જન્સી ઠોકી બેસાડી આપણા લોકતંત્રના આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈપણ ભૂલ વિના જેલમાં ઠોંસી દઈ મીડિયાનો અવાજ દબાવી દેવાયો હતો. ભારત સરકારે દરવર્ષે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસ તે તમામ મહાન લોકોને યાદ કરશે, જેઓએ 1975ની ઇમર્જન્સીમાં અમાનવીય દર્દ સહન કર્યું હતું.
શાહે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય તેવા લોકોને સન્માન આપવાનો છે, જેમણે કોંગ્રેસના ઉત્પીડનનો સામનો કરવા છતાં લોકતંત્રને જીવિત રાખવા સંઘર્ષ કર્યો છે. આ દિવસ લોકોમાં લોકતંત્રની રક્ષા અને સ્વતંત્રતાની ભાવના જીવિત રાખવા કામ કરશે.

