25 વર્ષની ઉંમરે પેટ્રોલપંપ પર ધાડ પાડનારો 68 વર્ષની વયે ઝડપાયો

Wednesday 17th July 2024 06:59 EDT
 
 

વડોદરાઃ વડોદરા નજીક આલમગીર પાસે નેશનલ હાઇવે પર 43 વર્ષ પહેલાં ધાડપાડુ ટોળકીએ પાડેલી ધાડ બાદ વર્ષોથી ફરાર એક આરોપીને જિલ્લાની પેરોલ ફર્લો સ્ક્વોડે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. 43 વર્ષ જૂના ધાડના ગુનાનો આરોપી ઝડપાતાં પોલીસ પણ હવે જૂના કાગળ ફંફોસવા કામે લાગી છે.
આ ગુનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આલમગીર પાસે નેશનલ હાઇવે પર તે સમયે આવેલા રાવજીભાઈ પેટ્રોલપંપ પર 26 એપ્રિલ 1981ની મધરાત્રે મારક હથિયારો સાથે ધાડપાડુઓ ત્રાટક્યા હતા. ધાડપાડુઓએ ડંડા તેમજ કુહાડીથી કેશિયરને માર મારી તે સમયે રૂ. 9 હજારની ધાડ પાડી હતી. ઉપરોક્ત ગુનાનો એક વોન્ટેડ આરોપી રમેશ ફતુભાઈ વલવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના રહેણાક સ્થળે તપાસ કરતાં કંઈ મળ્યું નહોતું દરમિયાન ખાનગી રાહે તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું હતું કે, રમેશ ફતુ પોતાનું નામ રમેશ ફતાભાઈ બદલીને નંદુરબાર તાલુકામાં જ પિપલોદ ગામે પરિવાર સાથે રહી ખેતી કરે છે. પોલીસે પિપલોદ ગામે વોચ ગોઠવી હતી અને આખરે રમેશને ઝડપી પાડ્યો હતો. હાલ તેની ઉંમર 68 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું.


comments powered by Disqus