નવી દિલ્હીઃ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને બેઠકોમાં ફટકો પડ્યા બાદ 7 રાજ્યની 13 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પણ ભાજપને ઇન્ડિયા ગઠબંધન દ્વારા ફટકો પડ્યો છે. બિહાર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલમાં યોજાયેલી પેટાચૂંટણીની 13 બેઠકોના રિઝલ્ટ જાહેર થયાં છે, જેમાં એનડીએને માત્ર 2 બેઠક મળતાં ઝટકો લાગ્યો છે અને ઇન્ડિયા ગઠબંધને 10 બેઠકો પોતાના નામે કરી લીધી છે.
પશ્ચિમ બંગાળમાં દીદીનો જાદુ
પશ્ચિમ બંગાળની 4 વિધાનસભા બેઠક પર શાસક ટીએમસીનો જાદુ ચાલ્યો છે અને તેણે રાણાઘાટ દક્ષિણ, રાયગંજ, બગડા અને માણિકતલા તમામ 4 બેઠક જીતી લીધી છે.
પંજાબમાં ‘આપ’ની જીત
જાલંધર પશ્ચિમ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આપે શાનદાર જીત નોંધાવી છે. આપના મોહિન્દર ભગતે કોંગ્રેસના સુરિન્દર કૌરને 37 હજારથી વધુ મતથી હરાવ્યા હતા.
ઉત્તરાખંડમાં કોંગ્રેસની જીત
ઉત્તરાખંડની ખાલી બે બેઠક બદ્રીનાથ અને મેંગલોર બંને કોંગ્રેસના ખાતામાં ગઈ છે. જ્યાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.
હિમાચલની 3 પૈકી માત્ર એક બેઠક ભાજપને
હિમાચલ પ્રદેશમાં હમીરપુર, દેહરા અને નલગઢ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાંથી માત્ર હમીરપુર બેઠક પર ભાજપને મળી છે, જ્યારે દેહરા અને નલગઢ કોંગ્રેસ જીતી છે.
તામિલનાડુમાં પણ ડીએમકે વિજેતા
તામિલનાડુની એકમાત્ર વિકરાવંડી બેઠક પર સ્થાનિક પાર્ટી ડીએમકે વિજેતા થઈ હતી, જ્યારે અન્ય એક સ્થાનિક પાર્ટી પીએમકેને ડીએમકે બાદ સૌથી વધુ મત મળ્યા છે.
મધ્યપ્રદેશની અમરવાડામાં ભગવો
મધ્યપ્રદેશની અમરવાડા બેઠક ખાલી પડતાં તેના પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ધીરેન શાહને હાર આપતાં ભાજપના કમલેશ સાહુ વિજેતા થયા હતા.
બિહારમાં ભાજપનો નબળો દેખાવ
બિહારની રૂપૌલી બેઠકની પેટાચૂંટણીમાં સ્થાનિક પક્ષ આરજેડી-જેડીયુ, કોંગ્રેસ અને ભાજપ બધાને પાછળ છોડી અપક્ષ ઉમેદવાર બાહુબલી શંકરસિંહ વિજેતા થયા હતા.
અયોધ્યા પછી બદ્રીનાથમાં પણ પરાજય
હિન્દુત્વના જોરે રામમંદિરની ફૈઝાબાદ બેઠક મેળવવાની ભાજપની આશા ઠગારી નીવડ્યા બાદ ઉત્તરાખંડની બદ્રીનાથ બેઠક પણ ભાજપને ખોવાનો વારો આવ્યો છે, જ્યાં કોંગ્રેસનો વિજય થયો છે.

