અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાને શરૂ થયે એક મહિનો થઈ ગયો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે, તો કચ્છમાં હજુ સુધી પૂરતો વરસાદ પડ્યો નથી. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ થયા.
મધ્ય ગુજરાત
આણંદના ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફુંકાવાની સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવણી યોગ્ય વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. વડોદરામાં વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સોમવારે અમદાવાદ શહેરમાં પ્રતિકલાક 38 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો.
ઉત્તર ગુજરાત
મહેસાણામાં લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બનાસકાંઠાના ધાનેરા, પાલનપુર સહિતમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો પાટણમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો હતો.
દક્ષિણ ગુજરાત
નર્મદા જિલ્લાના નેત્રંગમાં ધોધમાર વરસાદથી નદીમાં એકાએક ઘોડાપૂર આવ્યું હતું, જેમાં ધાણીખૂંટ ધોધનું રૌદ્રસ્વરૂપ જોવા મળ્યું હતું. આ સમયે એક યુવાને તાડના ઝાડ પર ચડી પોતાનો જીવ બચાવ્યો હતો. જેને ગ્રામજનો દ્વારા રેસ્ક્યૂ કરાયો હતો. નદીમાં પૂર આવતાં લાછરસ ગામ બેટમાં ફેરવાયું હતું. રવિવારે ઉમરપાડામાં 4 કલાકમાં જ 10 ઇંચ વરસાદથી તબાહી સર્જાઈ હતી. જેથી અનેક રસ્તા બંધ થયા હતા. આ સિવાય મોવીથી ડેડિયાપાડા હાઇવે પર પણ પાણી ભરાયું હતું. પલસાણામાં પુલ પર કાર ફસાઈ હતી. જેને જેસીબીની મદદથી બહાર કઢાઈ હતી.
સૌરાષ્ટ્ર
હળવદના મયુરનગરમાં વર્ષોથી મંજૂર થયેલો બ્રિજ તો હજી સુધી બનાવાયો નથી, પરંતુ ગ્રામજનો માટે બનાવાયેલો કામચલાઉ બ્રિજ પણ ધોવાઈ જતાં ગામ સંપર્કવિહોણું બન્યું હતું. બ્રહ્માણી નદીમાં પાણીનો પ્રવાહ વધતાં પુલ ધોવાઈ જતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. આ અંગે ગ્રામજનો દ્વારા અનેક રજૂઆત છતાં અધિકારીઓ
અને તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતાં સ્થાનિકો રોષે ભરાયા છે.
કચ્છ
કચ્છમાં ચાર દિવસ વિરામ બાદ મંગળવારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને ભુજમાં અડધો કલાકમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. મુન્દ્રા અને અંજારમાં દોઢ તો નખત્રાણામાં અડધો ઇંચ મેઘ મહેર થઈ. રાપર, નખત્રાણામાં ઝાપટારૂપે વરસાદે હાજરી આપી હતી, તો ગ્રામ્ય વિસ્તારો ઝાપટાથી ભીંજાયા હતા.

