ગૌચર જમીન કેસમાં અદાણી પોર્ટને સુપ્રીમ કોર્ટથી રાહત

Wednesday 17th July 2024 06:07 EDT
 
 

નવી દિલ્હીઃ ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવા સામે અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સહમત થઈ છે. અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવાના ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. આ અંગે સુપ્રીમે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.
કચ્છમાં અદાણી પોર્ટ્સને 108 હેક્ટર જમીન ફાળવાઈ હતી. ગુજરાત હાઇકોર્ટે નવીનાલના ગ્રામજનોની PILની સુનાવણી કરી હતી, જેમાં જમીનની ફાળવણીને પડકારાઈ હતી. પીઆઇએલમાં સ્થાનિક સમુદાય માટે ગૌચરની જમીન ગુમાવવાનો ઉલ્લેખ કરાયો છે અને 20 વર્ષ પહેલાં અદાણી ગ્રૂપને અપાયેલી જમીનની ફાળવણી રદ કરવા સૂચના અપાઈ હતી.
ગુજરાત સરકારે શુક્રવારે હાઇકોર્ટને જાણ કરી હતી કે, તે 2005માં અપાયેલી આશરે 108 હેક્ટર ગૌચર જમીન પાછી લેશે. અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડને ગૌચરની 231 એકર જમીન ફાળવાતાં નવીનાલના રહેવાસીઓએ હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી.


comments powered by Disqus