ગાંધીનગરઃ ગાંધીનગરના દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામનો રાતોરાત સોદો થઈ ગયો અને આખેઆખું ગામ બારોબાર વેચી મરાયું. આ ઘટનાએ ગ્રામજનો અને જિલ્લા તંત્ર બંનેને હચમચાવી દીધા છે. રજિસ્ટર વેચાણ દસ્તાવેજ થઈ ગયો અને તે આધારે રેકોર્ડમાં કાચી નોંધ પણ પડી ગઈ ત્યારે છેક આ મામલો પ્રકાશમાં આવ્યો. કહેવાય છે કે, છેલ્લા છ મહિનાથી આ ગામને વેચી મારવાનું ષડયંત્ર ચાલતું હતું. સરકાર ખુદ આ ઘટનાથી ચોંકી ઊઠી છે અને તપાસના આદેશ આપ્યા છે.
આ ગામની 14,597 ચોરસ મીટર જમીન સ્ટેમ્પ પેપર તથા સાદા લખાણથી બાનાખત કરીને બાંહેધરી કરારથી સ્થાનિકોએ વેચાણ રાખી હતી. આ ગામમાં 88 ઘર છે, જ્યાં અંદાજે 600થી 650 લોકો છેલ્લાં 50 વર્ષથી વસે છે, પરંતુ અત્યારે એકઝાટકે જ લોકો ઘરવિહોણા બની જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ફોટો દર્શાવી દસ્તાવેજ નોંધાયોઃ રજિસ્ટ્રાર
દહેગામ રજિસ્ટ્રાર વિશાલ ચૌધરીના જણાવ્યા મુજબ રેકર્ડ પર કે કચેરીમાં ક્યાંય ખોટું થયું નથી. 13મી જૂને સરવે નંબર 142નો જૂના પહાડિયાનો દસ્તાવેજ નોંધાયો, જેમાં પક્ષકારો દ્વારા ખુલ્લી જમીનના ફોટો દર્શાવી નોંધણી કરાવાઈ હતી.
સાત શખ્સો સામે ફરિયાદ
જૂના પહાડિયા ગામ વેચી મારવાના ગુનામાં ચાર દિવસ બાદ સાત શખ્સો સામે રખિયાલ પોલીસમાં ગુનો નોંધાયો છે. દહેગામ સબ રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. 14597 ચો.મી. જમીનના રજિસ્ટર્ડ દસ્તાવેજની ઓનલાઇન ફેરફાર નોંધ નંબર 778 સામે આ જગ્યામાં વસવાટ કરતાં સ્થાનિકો દ્વારા તકરાર દાખલ કરાઈ છે. આ તકરારી રજિસ્ટરે ચડાવી 24 જુલાઈએ અર્જન્ટ સુનાવણી ગાંધીનગર પ્રાંત અધિકારી સમક્ષ રખાઈ છે. હાલ વિનોદ અને જયેન્દ્ર નામના શખ્સની અટકાયત કરી એલસીબીને તપાસ સોંપાઈ છે.

