રાજકોટ: રાજકોટના પનોતા પુત્ર, વિશ્વવિખ્યાત ઔષધ સંશોધક ડો. અશોકભાઈ ડી.બી. વૈદ્યનું 89 વર્ષની વયે મુંબઈમાં કિડનીની લાંબી બીમારી બાદ અવસાન થયું છે. ડો. અશોકભાઈ વૈદ્ય ભારતમાં તેમના આયુવિજ્ઞાન ફોર્મોકોલોજી, મોર્ડન મેડિસિન અને ઔષધીય વનસ્પતિના સાત દાયકાના સંશોધનકાર્યથી ટોચના વૈજ્ઞાનિકોની હરોળમાં ગણાતા હતા. જેતપુરના વૈદ્ય મયારામ સુંદરજીના પ્રપૌત્ર એવા અશોકભાઈ સ્વાતંત્ર્યસેનાની અને નીડર પત્રકાર, પૂર્વ અપક્ષ ધારાસભ્ય સ્વ. બાબુભાઈ વૈદ્યના પુત્ર થાય. આયુર્વેદ ગ્રંથો, ઔષધીઓને મોર્ડન મેડિસિન તરીકે ઝડપભેર બહાર લાવવા તેઓ ‘રિઝર્વ ફોર્મોકોલોજી’નો વિચાર જગતભરમાં પ્રસરાવી સન્માન પામ્યા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ડો. કનુભાઈ માવાણીના સમયમાં ઇન્ટર યુનિવર્સિટી મેડિસિનલ પ્લાન્ટ નર્ચર એન્ડ થેરાપેટિક્સ (IMPLANT) 350 મેડિસિનલ પ્લાન્ટ ગાર્ડન અને તેના સંશોધનમાં નેચરલ ફેસિલિટી ફોર ડ્રગ ડિસ્કવરી સેન્ટરમાં પ્રોફેસર તરીકે 2005 સુધી આઇએસસીબી-રાજકોટમાં સંશોધન સાથે તેમનો નાતો ચાલુ રહ્યો હતો. 150 આંતરરાષ્ટ્રીય સંશોધન લેખો દેશવિદેશમાં 15થી વધુ પારિતોષિક, ડોક્ટરેટથી વિભૂષિત અશોકભાઈને ભલે પદ્મ એવોર્ડ ન મળ્યો હોય પણ તેઓ એવોર્ડથી મુઠ્ઠી ઊંચેરા સંશોધક તરીકે યાદ રહેશે.

