ભાણવડઃ ધારાગઢ ગામે ફાટક પાસે આવેલ ખુલ્લી જગ્યામાં મૂળ મોડપર ગામના અને હાલ જામનગર રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ રૂ. 20 લાખની પઠાણી ઉઘરાણીથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી હતી. પરિવારના મોભી બ્રાસની ભઠ્ઠી અને ભંગાર ગાળવાનું કામ કરતા હતા. જેમની પાસેથી અન્ય 2 બ્રાસના વેપારી દ્વારા રૂ. 20 લાખની ઉઘરાણી કરાઈ રહી હતી. આમ કંટાળી અશોકભાઈ જેઠાભાઈ ડુવા, તેમના પત્ની લીલુબેન, પુત્ર જિજ્ઞેશ, પુત્રી કિંજલે આપઘાત કર્યો હતો. મૃતકના ભાઈની ફરિયાદ પરથી બે બ્રાસ ધંધાર્થી સહિતના શખ્સો સામે ગુનો નોંધાયો છે, જેમાં તેમને મારી રૂ. 20 લાખ માટે લખાણ કરાવ્યાનું તેમજ અન્ય બ્રાસ ધંધાર્થીએ બાકી રકમ ન ચૂકવી આપઘાત માટે મજબૂર કર્યાનું જાહેર થયું છે.

