બનાસકાંઠામાં વિજયથી રાહુલ ગાંધીને હિંમત આવીઃ ગેનીબહેન

Wednesday 17th July 2024 06:07 EDT
 
 

પાલનપુરઃ બનાસકાંઠાના કોંગ્રેસના નવનિયુક્ત સાંસદ ગેનીબહેન ઠાકોરનો પાલનપુરમાં સત્કાર સમારોહ યોજાયો જ્યાં એઆઇસીસીના પ્રભારી અને સંસદ સભ્ય મુકુલ વાસનિક, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે હાજરી આપી હતી.
કાર્યક્રમમાં ગેનીબહેને ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાનો વિજય થયો. ગેનીબહેને વધુમાં કહ્યું કે, આપણે લોકસભાની એક સીટ જીત્યા અને આપણા રાહુલજીને હિંમત આવી. પ્રધાનમંત્રી સામે આંગળી કરીને તેમણે કહ્યું કે, અમે તમને ગુજરાતમાં હરાવીશું. હું દિલ્હી ગઈ તો બધા સાંસદો આંગળી ચીંધીને કહેતા કે, ‘મોદી કે ગઢ મેં જીત કે આઈ હે.’
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, બનાસકાંઠામાં એક બાજુ બનાસની બહેન અને બીજી બાજુ બનાસની બેન્ક હતી, તો પણ મતદાઓએ બેન્કને બાજુમાં મૂકી.
ગલબાકાકાની પૌત્રી પાર્લામેન્ટ નહીં ડેરી સારી ચલાવશેઃ શક્તિસિંહ
સત્કાર સમારંભમાં ઉપસ્થિત શક્તિસિંહ ગોહિલે બનાસડેરીને લઈ એક નિવેદન આપી ડેરીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો. તેમણે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરીને અપીલ કરતાં કહ્યું હતું કે, ગલબાકાકાનું ઋણ ઉતારો, રેખાબહેન ચૌધરી પાર્લામેન્ટમાં નહીં ચાલે, પરંતુ ડેરી સારી ચલાવશે. આ મોદીની નહીં મારી ગેરંટી છે.


comments powered by Disqus