અમદાવાદઃ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં એક બિલ્ડર સહિત 6 આરોપીને કચ્છની કોર્ટે આપેલી 5 વર્ષની સજાને ગુજરાત હાઈકોર્ટે રદ કરી છે. ભોગ બનનારના વકીલની રજુઆત બાદ હાઇકોર્ટે અવલોકન કરતાં કહ્યું હતું કે, ભૂકંપ માણસના હાથમાં નથી, આ એક્ટ ઓફ ગોડ છે. આરોપીએ તમામ મંજૂરી સહિત બીયુ પરમિશન પણ લીધી હતી. આ કુદરતી આપત્તિમાં કલેક્ટર કચેરી, સિવિલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન સહિતની અનેક સરકારી ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી પણ કોઈ ફરિયાદ થઈ નથી. કચ્છની કોર્ટની સજા સામે બિલ્ડર સહિત કુલ 6 આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
અરજદારના વકીલે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરતાં કહ્યું હતું કે, બિલ્ડિંગનાં સેમ્પલ જે પંચની હાજરીમાં લેવાયાં તે પૈકી 8 સાક્ષી ફરી ગયા છે. બિલ્ડિંગના કયા ભાગનાં સેમ્પલ લેવાયાં તે નક્કી થઈ શક્યું નથી, એફએસએલે પણ લીધેલા સેમ્પલમાં આવી સ્થિતિ છે. આ રિપોર્ટમાં કોંક્રિટની ગુણવત્તા યોગ્ય ન હોવાનું કહેવાયું હતું પણ નાના સેમ્પલને આધારે નિર્ણય ના લઈ શકાય. બિમના સળિયાની ગોઠવણમાં પણ ટ્રાયલ કોર્ટને સમજવામાં ભૂલ થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ દલીલોના આધારે હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાનમાં લઈને આરોપીની સજા રદ કરી હતી.

