મુંબઈઃ મુંબઈમાં આશરે રૂ.29,400 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યા પછી વિપક્ષ પર ગર્ભિત પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા 3-4 વર્ષમાં દેશમાં લગભગ 8 કરોડ નવી નોકરીઓનું સર્જન થયું છે. આરબીઆઇના રીપોર્ટના આ આંકડાઓએ દુષ્પ્રચાર કરતાં લોકોને ચૂપ કરી દીધા છે. આ વ્યક્તિઓ રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના વિકાસનો વિરોધ કરે છે અને હવે ખુલ્લાં પડી ગયા છે. દેશની જનતાએ તેમના ષડયંત્રોને નકારી કાઢ્યાં છે.
મુંબઈમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય મહારાષ્ટ્રને વિશ્વનું મોટું ફાઈનાન્શિયલ પાવરહાઉસ બનાવવા અને મુંબઈને વૈશ્વિક ફિનટેક કેપિટલ બનાવવાનો છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર હાજર હતાં.
અટલ સેતુ પુલ પર તિરાડો પડી હોવાના કોંગ્રેસના આક્ષેપોને યાદ કરી મોદીએ જણાવ્યું હતું કે અમારો હેતુ મુંબઈમાં જીવનની ગુણવત્તા શ્રેષ્ઠ બનાવવાનો છે. તેથી મુંબઈની આસપાસની કનેક્ટિવિટી સુધારવામાં આવી રહી છે. મુંબઈમાં કોસ્ટલ રોડ અને અટલ સેતુનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તમને યાદ હશે કે અટલ સેતુ વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી. તેને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યાં હતાં, પરંતુ દરેક તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. મને કહેવામાં આવ્યું છે કે દરરોજ લગભગ 20,000 વાહનો તેના પરથી પસાર થાય છે. આ ઉપરાંત તે દરરોજ આશરે 20,000-25000 લાખના મૂલ્યની ઇંધણની બચત કરે છે.

