મુસ્લિમ મહિલાના ભરણપોષણ પર સુપ્રીમ કોર્ટની રાજીવ સરકારના કાયદાને લપડાક

મુસ્લિમ મહિલા ભરણપોષણ મેળવવા હક્કદારઃ સુપ્રીમ કોર્ટ

Wednesday 17th July 2024 06:59 EDT
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 10 જુલાઈએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના કાર્યકાળમાં બનાવાયેલા એક વિવાદિત કાયદાને જોરદાર લપડાક મારી છે. સુપ્રીમ કોર્ટે તલાક મેળવેલી મુસ્લિમ મહિલાઓને પણ આપરાધિક દંડ સંહિતા (સીઆરપીસી)ની કલમ 125 હેઠળ ભરણપોષણની માગ કરવા માટે હકદાર ગણાવી છે. રાજીવ સરકારે શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના આ જ પ્રકારના આદેશને ફેરવવા માટે નવો કાયદો બનાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલા કાયદો 1986ની સીમાઓ તોડતાં કહ્યું કે, મહિલા ભલે ગમે તે ધર્મની હોય તેનાં લગ્ન તૂટવા પર તેને તેના પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ માગવાનો હક છે. શાહબાનો નામની મુસ્લિમ મહિલાને જ્યારે સુપ્રીમ કોર્ટે પતિથી ભરણપોષણ માગવાની હકદાર ગણાવી હતી, ત્યારે મુસ્લિમ સમુદાયના આક્રોશને વશ થઈ તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ સંસદમાં મુસ્લિમ મહિલાઓ તલાક લેવા પર ભરણપોષણની હકદાર ન ગણવા અંગેનો કાયદો પસાર કરાવી દીધો હતો.
કલમ 125 તમામ ધર્મ પર લાગુ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સીઆરપીસીની કલમ 125 તમામ ધર્મની મહિલાઓ પર લાગુ પડે છે, એટલે કે આ એક ધર્મનિરપેક્ષ કાયદો છે. કોર્ટે તેના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું છે કે, આ નિર્ણય તમામ ધર્મની મહિલા પર લાગુ પડશે અને મુસ્લિમ મહિલાઓ તેનો ઉપયોગ કરી શકે છે. તેના માટે તેમને સીઆરપીસીની કલમ 125 હેઠળ કોર્ટમાં અરજી દાખલ કરવાનો હક છે. સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો.
ચુકાદો પડકારીશુંઃ મુસ્લિમ લો બોર્ડ
સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાઓને ઇદ્દત બાદ પણ ભરણપોષણનો અધિકાર હોવાનો ચુકાદો આપ્યો હતો. એવામાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ હવે સુપ્રીમના આ ચુકાદાને તેમજ ઉત્તરાખંડમાં પસાર કરાયેલા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીને પણ પડકારશે. રવિવારે બોર્ડ દ્વારા આ બે મુદ્દા સહિત કુલ આઠ મામલાના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર, મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા સૈયદ કાસિમ રસૂલ ઈલિયાસે જણાવ્યું હતું કે બેઠકમાં ચર્ચાયેલા આઠમાંથી એક પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટના મુસ્લિમ મહિલાઓના ભરણપોષણ અંગે અપાયેલા ચુકાદા સાથે જોડાયેલો છે. સુપ્રીમનો ચુકાદો શરિયત કાયદાની વચ્ચે આવે છે. અમે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશું.


comments powered by Disqus