યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા યુવાનના પરિવારને રશિયા રૂ. 1.30 કરોડ આપશે

Wednesday 17th July 2024 06:07 EDT
 
 

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાત દરમિયાન રશિયન પ્રમુખે યુક્રેન યુદ્ધમાં રશિયા તરફથી લડી રહેલા ભારતીય સૈન્ય સહાયકોને વહેલી તકે મુક્ત કરવાની માગનો સ્વીકાર કર્યો છે. બીજી તરફ યુદ્ધમાં માર્યા ગયેલા ભારતીયોના પરિવારને વળતર પેકેજ અને રશિયાની નાગરિકતાની ઓફર કરી છે. જો કે તેમણે જણાવ્યું હતું કે, ભારત બેવડી નાગરિકતાનો સ્વીકાર કરતું નથી. આ દરમિયાન 6 મહિના પૂર્વે યુક્રેનના હવાઈ હુમલામાં માર્યા ગયેલા વેલંજા નજીકના ઉમરાના હેમિલના પિતા અશ્વિન માંગુકિયાએ રશિયન નાગરિકત્વ સ્વીકારવાની ઇચ્છા દર્શાવી છે.
માર્ચમાં જ્યારે અશ્વિનભાઈ તેમના પુત્ર હેમિલનો મૃતદેહ લેવા માટે રશિયા ગયા હતા, ત્યારે તેમને માહિતી મળી હતી કે તેમના પરિવારને વળતરપેટે રૂ. 1. 3 કરોડ અને રશિયાની નાગરિકતા અપાશે. એટલું જ નહીં પરિવારના સગીર બાળકને તેના 18 વર્ષ થતાં સુધી માસિક રૂ. 18 હજાર સ્ટાઇપેન્ડ ચૂકવાશે.
અશ્વિન માંગુકિયાએ જણાવ્યું હતું કે, તેમણે રશિયામાં મારું બેન્ક ખાતું ખોલાવી આપ્યું હતું, જેમાં રૂ. 45 લાખ પણ ડિપોઝિટ કર્યા હતા. રશિયન નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયા કરવા માટે મારે અનેક વખત રશિયાનો પ્રવાસ કરવો પડશે.
વળતર મળતાં ભારતની નાગરિકતા છોડીશ: અશ્વિન માંગુકિયા
હેમિલના પિતા અશ્વિન માંગુકિયાએ કહ્યું કે, રશિયાએ મને અને મારી પત્નીને રશિયાની નાગરિકતા આપવાની ઓફર કરી છે. રશિયાએ અમને રૂ. 1.30 કરોડ વળતર આપવાનું કહ્યું હતું, જેમાંથી રૂ. 45 લાખ ત્યાંની બેન્કમાં જમા કરાવ્યા હતા. હવે પૂરા રૂપિયા જમા થયા બાદ હું રશિયાની નાગરિકતા મેળવવાની પ્રોસેસ કરીશ. રૂપિયા માટે તેમણે 3 મહિનાનું જણાવ્યું હતું, હજુ એક વખત રશિયા જઈશ. પ્રોસેસ પૂરી થયા બાદ હું ભારતની નાગરિકતા છોડી દઈશ.
યુક્રેન હુમલામાં હેમિલનું મોત થયું હતું
વેલંજાના ઉમરા નજીક શિવ બંગલોઝમાં રહેતો 23 વર્ષીય હેમિલ માંગુકિયા રશિયાના લશ્કરમાં સિક્યોરિટી હેલ્પર તરીકે જોડાયો હતો. 21 ફેબ્રુઆરીએ યુક્રેનના એક ડ્રોન હુમલામાં તેનું મોત થયું હતું. એની સાથે દેશના અન્ય ભાગોથી યુવાનો રશિયાની સેનામાં સિક્યોરિટી હેલ્પર તરીકે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, રશિયામાં હેમિલ માંગુકિયાની સાથે અન્ય 4 ભારતીયો પણ યુક્રેન યુદ્ધમાં માર્યા ગયા હતા. જેમના વળતર અંગે હજુસુધી કોઈ જાહેરાત કરાઈ નથી.


comments powered by Disqus