રાજકોટઃ જામનગર રોડ પરથી દાયકાઓ જૂના રાજકોટના ડોમેસ્ટિક એરપોર્ટનું સ્થળાંતર શહેરથી 35 કિલોમીટર દૂર હિરાસર ખાતે ‘આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ના નામે કરવામાં આવ્યું છે. હિરાસર ખાતે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ રૂ. 1400 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામ્યું છે. જેને શરૂ થયાને એક વર્ષ થવા આવ્યું છે. આમ છતાં હજુ સુધી અહીં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ શકી નથી, અને નજીકના ભવિષ્યમાં વિદેશી વિમાનો સંચલિત થાય એવી સંભાવના પણ ન હોવાનું જાણીને લોકોને ધક્કો લાગ્યો છે.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલ કાર્ગો માટે ઉભા કરાયેલા ટર્મિનલમાં કામચલાઉ ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેટ થઈ રહી છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ટર્મિનલ નિર્માણ થવું બાકી છે. વધુમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ઈમિગ્રેશન, કસ્ટમ, એરલાઈન ઓફિસ અને પેસેન્જરોની સુવિધાનાં ઠેકાણાં નથી.
શરૂઆતમાં જ્યારે આ એરપોર્ટ કાર્યરત થયું ત્યારે કહેવાતું હતું કે અહીંયાથી દુબઈ, ચીન, મલેશીયા વગેરે દેશો માટે વિમાની સેવા શરૂ થઈ શકે છે. પરંતુ હકીકત એ છે કે હજુ એકપણ એરલાઈન્સે ઈન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવાની તૈયારી નથી દાખવી. જે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાય છેં તે હજુ સુધી ડોમેસ્ટિક એરપોર્ટ જ છે. અહીં ઇન્ટરનેશનલ ફ્લાઇટ હજુ 2થી 3 વર્ષમાં ઉડાન ભરે તેવી શક્યતા દેખાઈ રહી નથી. ઓગસ્ટના મધ્યમાં એક ટર્મિનલનું કામ પુરું થવાની શક્યતા છે, પરંતુ ત્યાં ડોમેસ્ટિક ફ્લાઈટ જ ઉડાન ભરશે.
સેવા ત્રણ માસમાં શરૂ થશેઃ ડાયરેક્ટર
રાજકોટથી 30 કિલોમીટર દૂર હિરાસર ઇન્ટનેશનલ એરપોર્ટ પરથી હવે ત્રણ મહિના બાદ એટલે કે ઓક્ટોબરમાં વિદેશી વિમાન સેવા શરૂ કરાશે તેવું એરપોર્ટ ડાયરેક્ટર બોરાહે જણાવ્યું હતું. શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે નવા ટર્મિનલમાં ઈમિગ્રેશન અને કસ્ટમ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ શકશે નહીં. આ અંગે વિવાદ થતાં ડાયરેક્ટરે કહ્યું કે, નવું જે ટર્મિનલ બની રહ્યું છે. તેમાં દરેક પ્રકારની સુવિધા છે અને ત્રણ માસ બાદ વિદેશી વિમાન સેવા શરૂ થઇ શકશે.

