નવી દિલ્હીઃ ભાજપનું રાજ્યસભામાં સંખ્યાબળ ઘટીને પહેલી વખત 90થી નીચે ઉતરી 86 થઈ ગયું છે. જ્યારે એનડીએનું સંખ્યાબળ બહુમત 105થી ચાર આંકડા નીચે ઉતરી ગયું છે. આમ તેણે રાજ્યસભામાં બિલો પાસ કરાવવા ટેકણલાકડી લેવી પડશે.
ભાજપના ચાર નીમાયેલા સભ્યો રાકેશ સિંહા, રામ શાકાલ, સોનલ માનસિંહ અને મહેશ જેઠમલાણીએ તેમની ટર્મ પૂરી કરતાં તે નિવૃત્ત થતાં આ સ્થિતિ સર્જાઈ છે. આમ ભાજપનું સંખ્યાબળ ઘટીને 86 થઈ ગયું છે અને એનડીઅનું સંખ્યાબળ ઘટીને 101 થઈ ગયું છે. રાજ્યસભાના 245 સભ્યોના ગૃહમાં બહુમતી માટે 113 સભ્યો હોવા જરૂરી છે. જો કે એનડીએ પાસે સાત બાકીના નીમાયેલા સાંસદો અને એક સ્વતંત્ર સાંસદનું સમર્થન છે. હાલમાં રાજ્યસભાના સાંસદોની સંખ્યા 225 છે.
કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા બ્લોકનું સંખ્યાબળ 87નું છે. તેમાં કોંગ્રેસની સંખ્યા 26, તૃણમૂલ કોંગ્રેસની 13, આપ અને ડીએમકેની 10-10 છે. ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાયેલા ન હોય તેવા પક્ષ પૂર્વ તેલંગણા સીએમ કે ચંદ્રશેખર રાવનો બીઆરએસ છે અને અપક્ષો છે.
આનો અર્થ એમ થાય કે સરકાર રાજ્યસભામાં એનડીએ અન્ય પક્ષો પર આધારિત હશે. તેમાં તામિલનાડુમાં પૂર્વ સહયોગી એઆઇએડીએમકે, આંધ્રના જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય નીમેલા સાંસદોનો સમાવેશ થાય છે.

