રાજકોટઃ ઈફકોની ચૂંટણીને એક માસથી વધુ સમય થયો છે, જેના કારણે ભાજપની સાથે લેઉવા પાટીદાર સમાજના બે આગેવાનો વચ્ચે પણ આંતરિક વિખવાદ વકર્યો છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશ પટેલે પૂર્વમંત્રી જયેશ રાદડિયા વચ્ચે સર્જાયેલા વિવાદનો આડકતરો સ્વીકાર કર્યો હતો.
ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા સામે ભાજપનો મેન્ડેટ મેળવનારા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશ કુંભાણી પ્રત્યે નરેશ પટેલે સોફટ કોર્નર રાખ્યાનું અને કુંભાણીને જીતાડવા તેમના ટેકેદારોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. આમ છતાં દિનેશ કુંભાણી હારી ગયેલા. બાદમાં કુંભાણીની કંપનીના ખાતરનો સહકારી બેન્ક સંલગ્ન મંડળીઓએ બોયકોટ શરૂ કરતાં બંને જૂથની લડાઈ તીવ્ર બની હતી. રાદડિયાએ નરેશ પટેલનું નામ લીધા વિના કહેલું કે સમાજના નામે રાજકારણમાં ના આવવું જોઈએ, જો સમાજના આગેવાનો રાજકારણ રમવા માગતા હોય તો ખૂલીને આવે, અમે તૈયાર છીએ.
નરેશ પટેલે જવાબ આપતાં કહ્યું કે, સમાજના કામ માટે રાજકારણમાં સક્રિય રહેવું પડે. તેમણે એમ કહ્યું કે અમે જ્યારે જરૂર પડી ત્યારે જયેશને મદદ કરી જ છે એ ના ભૂલવું જોઈએ. દરેક વખતે ખોડલધામને વચ્ચે લાવવામાં આવે છે એ યોગ્ય નથી. ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ, જે રહી નથી તેનો અફસોસ છે. રાદડિયાએ કહ્યુ કે, સમાજની વાત કોણ બહાર લાવ્યું એ મને ખબર નથી. આ પ્રકરણ વિશે મને જાણકારી નથી.

