અમદાવાદઃ થોડા સમય પહેલાં જ અમદાવાદ મુલાકાત લઈ ગયા બાદ કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઓગસ્ટમાં ફરી ગુજરાત આવશે. ગુજરાતના મોરબી બ્રિજ, વડોદરાના હરણી, સુરત તક્ષશિલા અને રાજકોટના અગ્નિકાંડના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસ યાત્રા યોજશે, જેમાં રાહુલ ગાંધી ભાગ લેશે.
તમામ પીડિત પરિવારને ન્યાયની માગ સાથે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું 1થી 15 ઓગસ્ટ સુધી આયોજન કરાયું છે, જે મોરબીથી શરૂ થઈ ગાંધીનગર પહોંચી સામૂહિક ધ્વજવંદનનો કાર્યક્રમ યોજશે. પીડિતોને ન્યાય ન મળતાં ગૃહમંત્રીનું રાજીનામું મગાશે.
જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, અગ્નિકાંડમાં સરકારે રચેલી સીટ આરોપીઓને બચાવવાનું કામ કરી રહી છે. સીટમાં નોનકરપ્ટ અધિકારીઓને સમાવવાની તેમજ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માગ તથા મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખ નહીં રૂ. 1 કરોડની સહાય સહિતની માગ કરાઈ રહી છે, પરંતુ રાજ્ય સરકાર પીડિતો માટે સહેજ પણ સહાનુભૂતિ દર્શાવી રહી નથી.

