સુરતઃ થોડા સમયથી રાજ્યમાં ભાજપ સામે વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ભૂવો પડતાં વિરોધ કરવા માટે ખાડામાં ભાજપનો ઝંડો લગાવી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સતત ભુવા પડવાની ઘટના બની રહે છે, જેથી વહીવટી તંત્ર માટે પડકાર ઊભા થઈ રહ્યા છે, ત્યારે ફરી એકવાર કાપોદ્રામાં રચનાથી મમતા પાર્ક રોડ પર ભુવો પડવાની ઘટના સામે આવી હતી. જેને લઈ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે ઘટનાસ્થળ પર પહોંચી ભાજપનો ઝંડો લગાવી દેતાં અધિકારીઓ દોડતા થયા હતા.
અધિકારીઓ કામે લાગ્યા
ભુવા અંગે સૂચના આપવા છતાં અધિકારીઓએ ઝડપથી કામ શરૂ ન કરતાં કોર્પોરેટર દ્વારા ભાજપનો ઝંડો લગાવી દેવાયો હતો. આ અંગેની જાણ થતાં જ અધિકારીઓ દ્વારા ભુવાની આસપાસ બેરિકેડ લગાડીને રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવાઈ હતી.

