અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનના લઘુમતી સમાજના 56 નાગરિકોને ભારતીય નાગરિકતા આપી હતી. આ માટે અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, મુસ્કુરાઈએ અબ આપ સબ ભારત દેશ કે નાગરિક હૈ. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ સહિતનાં પડોશી દેશમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી જેવા લઘુમતી સમુદાયની સ્થિતિ કફોડી હોવાથી ત્યાં વસતા નાગરિકોને ભારતની નાગરિકતા આપવાના કાયદા અન્વયે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ જિલ્લાના કલેક્ટરને સત્તા અપાઈ છે.
આ પ્રસંગે સંઘવીએ કહ્યું હતું કે, પાકિસ્તાનથી આવીને વસેલા હિન્દુ પરિવારોને નવી ઓળખ આપવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યું છે. હવે તમે ગર્વથી ભારતને તમારી કર્મભૂમિ બનાવી શકો છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું દાયિત્વ સંભાળ્યા પછી નાગરિકતા નિયમોમાં પરિવર્તન લાવીને પાકિસ્તાનથી ભારત આવીને વસેલા નાગરિકોને તેમની ઓળખ સમાન નાગરિકતા પ્રમાણપત્ર મળે તે માટે દિશાસૂચક કામગીરી કરી છે.

