MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે

Wednesday 18th December 2024 04:21 EST
 
 

નવી દિલ્હીઃ કેન્દ્ર અને રાજ્ય સરકારની આગેવાનીમાં ગુજરાત સતત હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે દેશમાં ગુજરાત પાંચમા સ્થાને આવી ચૂક્યું છે. ગુજરાતની પ્રગતિમાં રાજ્યના MSME એકમોનો 40 ટકાથી વધુ ફાળો છે. ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ 25 ટકાથી 30 ટકાનો વધારો જોવા મળ્યો હોવાનું ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે 7 ડિસેમ્બરે જાહેર કર્યું છે.
8700થી વધુ મધ્યમ ઉદ્યોગોનો સમાવેશ
ગુજરાતમાં અત્યારે કુલ 32.52 લાખથી વધુ MSME એકમની નોંધણી થઈ છે. ઉદ્યોગમંત્રીના જણાવ્યા મુજબ ગુજરાતમાં નોંધાયેલા આશરે 21.82 લાખથી વધુ MSME એકમો પૈકી 20.89 લાખથી વધુ સૂક્ષ્મ ઉદ્યોગો, 84 હજારથી વધુ લઘુ ઉદ્યોગો તેમજ 8,700થી વધુ મધ્યમ ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
રૂ. 2089 કરોડની સહાય ચૂકવાઈ
ગુજરાતના સાહસિક ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા તેમજ MSME એકમોને વધુ સશક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ તેમજ આત્મનિર્ભર યોજના હેઠળ વર્ષ 2023-24 અને 2024-25 ના નવેમ્બર સુધીમાં ગુજરાતનાં કુલ 47 હજારથી વધુ MSME એકમોને રૂ. 2089 કરોડની માતબર સહાય ચૂકવાઈ છે. દેશનો વિકાસક્રમ ઘણા સૂચકાંકોના આધારે સુનિશ્ચિત કરાય છે. ભારતમાં ઓદ્યોગિક વિકાસ ક્ષેત્રે રોજગારી, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, માનવ વિકાસ, ઊર્જા કાર્યક્ષમતા અને ઉત્પાદન ક્ષેત્રે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ સૂચકાંકોનો સમાવેશ થાય છે.
GDPમાં 8.6 ટકા સાથે ગુજરાત ત્રીજા ક્રમે
આ તમામ માપદંડોના આધારે ગુજરાત દેશના ઉત્પાદનમાં 16 ટકા, GDPમાં 8.6 ટકા અને રૂ. 26 ટ્રિલિયનના ફાળા સાથે દેશમાં ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત દેશની કુલ નિકાસમાં પણ ગુજરાત 30 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ગુજરાતની પ્રગતિમાં રાજ્યનાં MSME એકમોનો 40 ટકાથી વધુ ફાળો છે.


comments powered by Disqus