અમદાવાદઃ ભારતમાં દિવાળી બાદ નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે બિનનિવાસી ભારતીયો (NRI)નો પ્રવાસ સૌથી વધુ થતો હોય છે. આ 4 મહિનામાં વિદેશમાં વસતા લોકો લગ્નપ્રસંગ, ફરવા તેમજ અન્ય સામાજિક કામો માટે ભારતનો પ્રવાસ કરતા હોય છે. ફાર્માસિસ્ટ અને દવાના વેચાણ કરતા લોકોના જણાવ્યા પ્રમાણે, આ મહિનાઓમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં વતનના પ્રવાસે હોય છે અને ક્રિટિકલ કેર અને લાઇફ સ્ટાઇલ સંબંધિત બીમારીની દવાની ખરીદી કરે છે. આના કારણે દવાઓનું વેચાણ 15 ટકા જેટલું વધી જાય છે. એક અંદાજ મુજબ આ ગાળામાં NRI રાજ્યમાંથી આશરે રૂ. 300થી 350 કરોડની દવાની ખરીદી કરે છે.
એક જેનેરિક મેડિસિન સ્ટોર ચેઇનના કો-ફાઉન્ડરે જણાવ્યું કે, ભારતની સરખામણીએ અમેરિકા અને યુરોપમાં દવાઓ ઘણી મોંઘી છે. વેસ્ટર્ન દેશોમાં કોઈ દવાનો માસિક ખર્ચ અંદાજે રૂ. 15 હજારથી 20 હજાર થતો હોય તો તેની સામે ભારતમાં રૂ. 30 હજારમાં આખા વર્ષની દવા આવી જાય છે. જે લોકોને બીમારીમાં કાયમી દવાઓ લેવાની થતી હોય છે, તેવા લોકો ભારતથી દવાઓ ખરીદે છે. પરિવાર કે સગાંસંબંધીઓ ભારત આવતા હોય તેમની સાથે પણ ઘણા લોકો દવા મગાવતા હોય છે.

