ખ્યાતિકાંડઃ કાર્તિક પટેલ જ ફ્રી કેમ્પ દ્વારા વધુ દર્દીઓ લાવવાનું કહેતો

Wednesday 18th December 2024 04:22 EST
 
 

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંજય પટોડિયા બાદ રાજસ્થાનથી ડિરેક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ બાદ પૂછપરછમાં જણાયું છે કે, ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના ફરાર આરોપી ચેરમેન ડો.કાર્તિક પટેલની આગોતરા જામીન અરજીમાં શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા સોગંદનામું રજૂ કરી આરોપીને કોઈપણ સંજોગોમાં જામીન ન આપવા રજૂઆત કરાઈ હતી. ક્રાઇમબ્રાન્ચ તરફથી કોર્ટમાં ખુલાસો કરાયો હતો કે, આરોપી ચેરમેન કાર્તિક પટેલ દ્વારા જ માર્કેટિંગ ટીમને વધુમાં વધુ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવા અને વધુમાં વધુ PMJAY કાર્ડધારક દર્દીને સારવારના બહાને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવા ફરમાન કરાતું હતું.
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ તથા તેના ડાયરેક્ટર્સ ચિરાગ રાજપૂત, ડો.સંજય પટોળિયા, રાજશ્રી કોઠારી તથા રાહુલ જૈનની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંથલી મીટિંગ કાર્તિક પટેલની અમદાવાદ ઓફિસમાં યોજાતી હતી. જેમાં વધુ આવક થાય તે હેતુસર મેડિકલ સહાય આપતી સરકારની યોજનાઓના ઓઠા હેઠળ દર્દીઓને હોસ્પિટલમાં સારવારઅર્થે લાવવામાં અને વિવિધ પ્રકારના ફ્રી હેલ્થ કેમ્પ યોજવાની ચર્ચા થતી નથી.
ઇમર્જન્સી લખી મોકલાતી હતી ફાઇલ
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAYમાં મોકલાતી તમામ ફાઇલને ઇમર્જન્સીનો ટેગ અપાતો હતો. જેને અધિકારીઓ કંઈપણ જોયા વિના મંજૂરી આપી દેતા. તપાસમાં અન્ય હોસ્પિટલ પણ રડારમાં આવી છે.
બોગસ કાર્ડનું કૌભાંડ પણ ઝડપાયું
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ મેડિકલ માફિયાઓની એક બાદ એક પોલ ખૂલી રહી છે. ક્રાઇમબ્રાન્ચની ટીમે પાત્રતા વગરના લોકોને PMJAY કાર્ડ બનાવી આપનારી 6 સભ્યની ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીએ એકાદ-બે નહીં, પરંતુ ત્રણ હજારથી વધુ લાયકાત ન ધરાવતા લોકોને PMJAY કાર્ડ બનાવી આપીને કૌભાંડ આચર્યું છે.
ખ્યાતિ હોસ્પિટલે 100 કાર્ડ બનાવ્યાં
આ ગેંગ દ્વારા ત્રણ હજાર કાર્ડ બનાવાયાં છે, જ્યારે ખ્યાતિ હોસ્પિટલને 100 જેટલાં PMJAY કાર્ડ બનાવી આપ્યાં છે. હાલ ક્રાઇમબ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કાંડમાં સંડોવાયેલી કોઈપણ વ્યક્તિને છોડાશે નહીં. આ કાંડમાં PMJAY વિભાગ અને તેના અધિકારીઓ પણ ટાંચમાં લેવાઈ શકે છે.
આરોગ્ય વિભાગ હવે AIના સહારે
ખ્યાતિકાંડ બાદ રાજ્ય આરોગ્ય વિભાગ સક્રિય થયો છે. વાસ્તવમાં હવે PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ રોકવા AIની મદદ લેવાશે. જેને લઈ હવે નેશનલ હેલ્થ એજન્સી જેવું આધુનિક પોર્ટલ બનાવવાની તૈયારી શરૂ કરાઈ છે. સ્ટેટ હેલ્થ એજન્સીની મેન્યુઅલ કામગીરીને નવો ઓપ અપાશે, આ સાથે પોર્ટલમાં AI દાખલ કરાશે જેથી દસ્તાવેજમાં ગોલમાલ થતી અટકાવી શકાય.

 ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંજય પટોડિયા બાદ રાજસ્થાનથી ડિરેક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ બાદ પૂછપરછમાં જણાયું છે કે, ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના ફરાર આરોપી ચેરમેન ડો.કાર્તિક પટેલની આગોતરા જામીન અરજીમાં શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા સોગંદનામું રજૂ કરી આરોપીને કોઈપણ સંજોગોમાં જામીન ન આપવા રજૂઆત કરાઈ હતી. ક્રાઇમબ્રાન્ચ તરફથી કોર્ટમાં ખુલાસો કરાયો હતો કે, આરોપી ચેરમેન કાર્તિક પટેલ દ્વારા જ માર્કેટિંગ ટીમને વધુમાં વધુ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવા અને વધુમાં વધુ PMJAY કાર્ડધારક દર્દીને સારવારના બહાને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવા ફરમાન કરાતું હતું.


comments powered by Disqus