અમદાવાદઃ છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતના દરિયાકિનારે અને બંદરો પરથી અંદાજે રૂ. 70 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સ સાથે 100થી વધારે પાકિસ્તાની અને ઇરાની નાગરિકોની ધરપકડ કરાઈ છે. આ વર્ષના જાન્યુઆરીથી નવેમ્બર સુધી માત્ર કચ્છ પોલીસે જ રૂ. 113.56 કરોડનું ડ્રગ્સ જપ્ત કરીને 61 ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.
જાન્યુઆરીથી નવેમ્બર 2024 દરમિયાન પૂર્વ અને પશ્ચિમ કચ્છમાંથી પોલીસે રૂ. 113.56 કરોડનું ડ્રગ્સ જપ્ત કરીને 61 ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. કચ્છ પોલીસવડા ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે, 'કચ્છના બોર્ડર એરિયા અને દરિયાઈ સીમા તરફ જતા અને આવતા શંકાસ્પદ માણસોની તપાસ અને સર્વેલન્સ પણ ચાલી રહ્યું છે, તેથી છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયા મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યા છે.'
નાર્કોટિક્સનાં ટોચનાં સૂત્રોએ જણાવ્યું કે, 'ગુજરાતમાં 2020માં રૂ. 5956 કરોડનું અને રૂ. 20 હજાર કરોડનું ડ્રગ્સ એમ બે મોટી ખેપ પકડાઈ હતી. 2021માં રૂ. 21 હજાર કરોડનું અને રૂ. 3 હજાર કરોડ એમ 2 ડ્રગ્સની બે મોટી ખેપ ઝડપાઈ હતી. 2022માં એકસાથે રૂ. 2000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. ત્યારબાદ ત્રણ અલગ અસગ રેડમાં તબક્કાવાર રૂ. 500 કરોડ, રૂ. 700 કરોડ અને રૂ. 1 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. વર્ષ 2023માં રૂ. 5000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. જ્યારે વર્ષ 2024ની શરૂઆતમાં જ ડીઆરઆઇ અને એટીએસની ટીમ દ્વારા કોલકાતાના એક પોર્ટ પરથી ગુજરાતમાં લવાતું રૂ. 200 કરોડથી વધારેનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્યાર પછી કોસ્ટગાર્ડની મદદથી એટીએસ અને એનસીબીની ટીમે રૂ. 700 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અંકલેશ્વરની ફાર્માસ્યુટિકલ કંપનીથી રૂ. 5000 કરોડનું કોકેઇન પણ જપ્ત કર્યું હતું.
ગુજરાતમાં કંડલા, મુન્દ્રા, પિપાવાવ, ગાંધીધામ, પોરબંદર વગેરે બંદરો ડ્રગ માફિયાઓનાં હોટ ફેવરિટ બની ગયાં છે.
ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના પોર્ટ અને દરિયાકિનારાને ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર બનાવી દીધું છે. ઇરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમાથી ઘુસાડાય છે અને પછી અન્ય ઠેકાણે ડિલિવરી કરાય છે.

