અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં નેશનલ હાઇવેના કુલ 34 પ્રોજેક્ટ રૂ. 35 હજાર કરોડના ખર્ચે બની રહ્યા છે. તેમાંથી 19 પ્રોજેક્ટ વિલંબથી ચાલી રહ્યા છે, જેના કારણે 14 પ્રોજેક્ટની કિંમતમાં રૂ. 4 હજાર કરોડનો વધારો થયો છે. આ 34 પ્રોજેક્ટની મૂળ કિંમત રૂ. 31 હજાર કરોડ હતી. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાંથી 8 પ્રોજેક્ટ 2થી 5 વર્ષ મોડાં ચાલી રહ્યાં છે. પ્રોજેક્ટમાં થતા ફેરફારો અને જમીન સંપાદન જેવાં વિવિધ કારણોસર આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે.
કાગવદરથી કોડીનાર હાઇવે 5 વર્ષ મોડો
અમરેલીના કાગવદરથી ગીર સોમનાથના ઉના અને ત્યાંથી કોડીનાર જવા બની રહેલા 2 નેશનલ હાઇવે 5 વર્ષ વિલંબથી ચાલી રહ્યા છે. રૂ. 830 કરોડના ખર્ચે બની રહેલો કોડીનારથી વેરાવળનો હાઇવે પ્રોજેક્ટ 4 વર્ષ કરતાં વધુ સમયથી મોડો છે. શામળાજી-મોટા ચિલોડા સિક્સલેન હાઇવે 2020માં બનવાનો હતો, જે હજી સુધી પૂરો થયો નથી. તળાજા-મહુવા-કાગવદર, ઇડર-ભિલોડા, ધોરાજી- જામકંડોરણા હાઇવેનાં કામ 2 વર્ષ મોડા ચાલી રહ્યા છે.

