દરિયામાં ડૂબેલી દ્વારકાના સ્થળે રચાશે મોરપિંચ્છનો હ્યુમન ફ્લોટિંગ લોગો

Wednesday 18th December 2024 04:21 EST
 
 

દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા ખાતે 21 ડિસેમ્બરે વર્લ્ડ સન્કન સિટી ડે નિમિત્તે શ્રીક્રિષ્ના જલા જપા દીક્ષા ઇવેન્ટ યોજાશે. આગામી શનિવારે સવારે 11 વાગ્યે ગોમતી નદીના સામે કિનારે પંચકુઈ બીચ નજીક સમુદ્રની અંદર ડૂબેલી દ્વારકાના અવશેષો તેમજ 5000 વર્ષ પૂર્વે દ્વારકાધીશ સ્વરૂપે બિરાજમાન શ્રીકૃષ્ણ કાળની દ્વારકાની મહત્તાને વિશ્વફલક પર લાવવાના ઉદ્દેશથી ચલાવવામાં આવી રહેલા ‘જય દ્વારકા કેમ્પેન’ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્કૂબા ડાઇવર્સ દ્વારા સમુદ્રની અંદર વિશેષ કાર્યક્રમો યોજાશે. આ મેગા ઇવેન્ટમાં સમુદ્રમાં સ્કૂબા ડાઇવર્સની ટીમ દ્વારા ગોળાકાર શેપમાં કુલ 7 ભાગોમાં વહેંચાયેલો, શ્રીકૃષ્ણના પ્રતીકસમા મોરપિંચ્છ આકારનો ફ્લોટિંગ લોગો બનાવાશે.
દ્વારકાની મહત્તા ઉજાગર કરાશે
દુનિયાભરમાં ડૂબી ચૂકેલાં 15 નગરો પૈકી દ્વારકા સૌથી પ્રાચીન માનવામાં આવે છે. આ નગરમાં ભગવાન શ્રીકૃષ્ણએ શાસન કર્યું હોવાનો પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. આપણી સંસ્કૃતિનાં આ સંસ્મરણોની દીર્ઘકાલીન નોંધ લેવાય તે હેતુથી ‘જય દ્વારકા કેમ્પેન’ ચલાવવામાં આવનાર છે. ડૂબેલી દ્વારકાના બંધારણને સાચવવા, મહાભારત કાળના છુપાયેલા પુરાતત્ત્વીય પુરાવાને ઉજાગર કરવા જરૂરી સરકારી મંજૂરી મેળવાયા બાદ આ વિશ્વધરોહરના પ્રાચીન કલાકૃતિઓનાં રહસ્યોને બહાર લાવવા તેમજ જાળવણી હેતુ પ્રયાસો હાથ ધરવાની નેમ છે.
21 ડિસેમ્બરે વર્લ્ડ સન્કન સિટી ડે નિમિત્તે જય દ્વારકા અભિયાન અંતર્ગત દ્વારકાના પંચકુઈ બીચ નજીક જે જગ્યા પર સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયા છે, તે જગ્યા પર બીચ નજીક અરબી સમુદ્રની અંદર સ્કૂબા ડાઇવર્સની ટીમો દ્વારા હ્યુમન ફલોટિંગ લોગો બનાવવા પ્રયાસ હાથ ધરાશે. વિશ્વભરમાં ડૂબી ગયેલાં શહેરોના સંરક્ષણની થીમ સાથે મોરપિંચ્છ આકારનો લોગો રચાશે.
વિશ્વભરની ડૂબેલી 15 નગરી પૈકી દ્વારકા સૌથી પ્રાચીન
દક્ષિણ ભારતીય સંસ્થાના જનરલ સેક્રેટરી રવીન્દ્રનાથના જણાવ્યા અનુસાર સંસ્થા દ્વારા આ સાથે જય દ્વારકા મિશન ચલાવાશે, જેમાં દુનિયાભરમાં ડૂબી ગયેલાં શહેરોમાં દ્વારકા નગરી સૌથી પ્રાચીન હોઈ તેના ઉત્ખનન, જાળવણી વગેરેના સરકારના પ્રયાસોમાં સહભાગી બની પ્રોત્સાહિત કરાશે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં કુલ 15 જેટલી નગરીઓ જે-તે કારણોસર સમુદ્રમાં ગરકાવ થઈ છે.


comments powered by Disqus