નવી દિલ્હીઃ વડાપ્રધાન સંગ્રહાલય તરફથી લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીને પંડિત જવાહરલાલ નહેરુના પત્ર પરત કરવા પત્ર લખવામાં આવ્યો છે. રાહુલને આ પત્ર પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML) સોસાયટીના સભ્ય રિઝવાન કાદરીએ લખ્યો છે.
રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં લખ્યું છે કે, UPA શાસન દરમિયાન વર્ષ 2008માં 51 બોક્સમાં પેક કરેલા નહેરુના અંગત પત્રો સોનિયા ગાંધીને પહોંચાડવામાં આવ્યા હતા. હવે આ પત્રો લાઇબ્રેરીને પરત કરો.
રિઝવાન કાદરીએ પત્રમાં શું લખ્યું?
રિઝવાન કાદરીએ પોતાના પત્રમાં વધુમાં લખ્યું છે કે, તત્કાલીન યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીની વિનંતી પર 2008માં પીએમએમએલથી આ દસ્તાવેજોનો સંગ્રહ પાછો ખેંચી લેવાયો હતો. અમે સમજીએ છીએ કે આ દસ્તાવેજો 'નહેરુ પરિવાર' માટે વ્યક્તિગત મહત્ત્વ ધરાવે છે, પરંતુ પીએમએમએલ માને છે કે આ ઐતિહાસિક મહત્ત્વના દસ્તાવેજો છે અને આના સુધી પહોંચવું જરૂરી છે.
સોનિયા ગાંધીને પણ કરી હતી વિનંતી
રિઝવાનન કાદરીએ કહ્યું હતું કે, ‘સપ્ટેમ્બર 2024માં પણ મેં સોનિયા ગાંધીને પત્ર લખીને વિનંતી કરી હતી કે 2008માં નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીથી પરત લેવામાં આવેલાં 51 બોક્સ પરત કરવામાં આવે અથવા અમને જોવા અને સ્કેન કરવાની મંજૂરી આપવામાં આવે, જેથી અમે તેનો અભ્યાસ કરી શકીએ. આ અંગે તેમના તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી, તેથી મેં વિપક્ષના નેતા અને સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધીને વિનંતી કરી કે પત્રો પાછા લાવવામાં અમારી મદદ કરો. અમે આશા રાખીએ છીએ કે વિપક્ષના નેતા તરીકે તેઓ આના પર ધ્યાન આપશે અને એને સંશોધકો માટે ઉપલબ્ધ કરાવશે.’
નહેરુએ કોના નામે પત્ર લખ્યો હતો?
નહેરુએ આ પત્ર તેમના શાસનકાળ દરમિયાન લખ્યા હતા, જેમાં જયપ્રકાશ નારાયણ, બાબુ જગજીવન રામ, આઇન્સ્ટાઈન, એડવિના માઉન્ટબેટન, પદ્મજા નાયડુ, વિજ્યાલક્ષ્મી પંડિત, અરુણા આસફ અને ગોવિંદ વલ્લભ સહિત ભારતીય ઇતિહાસ સાથે જોડાયેલા ઘણા મહત્ત્વપૂર્ણ પત્રો હતા.
ભાજપનો વળતો પ્રહાર
પીએમએમએલના પત્રો પરત કરવાની માગણી કરતો પત્ર સામે આવ્યા બાદ ભાજપે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા. બીજેપી આઇટી સેલના પ્રભારી અમિત માલવિયાએ નહેરુજીના અંગત પત્રવ્યવહારને રોકવા પાછળના હેતુ પર સવાલ ઉઠાવ્યા હતા. માલવિયાએ કટાક્ષ કર્યો, નહેરુજીએ એડવિના માઉન્ટબેટનને શું લખ્યું હશે, જેના માટે આવી સેન્સરશિપની જરૂર પડી? અને શું રાહુલ ગાંધીએ આ પત્રો પાછા લાવવા કાર્યવાહી કરશે?

