વન નેશન-વન ઈલેક્શન બિલ લોકસભામાં રજૂઃ તરફેણમાં 269, વિરુદ્ધમાં 198 મત પડ્યા

Wednesday 18th December 2024 04:20 EST
 
 

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો મંગળવારે 17 ડિસેમ્બરે 17મા દિવસે વન નેશન-વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરાયું. કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે સૌપ્રથમ વન નેશન-વન ઇલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું.
વન નેશન - વન ઇલેક્શન બિલ રજૂ કર્યા બાદ સાંસદોને તેના પર બોલવા માટે સમય અપાયો હતો. ઘણી પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યા પછી બિલને ફરીથી રજૂ કરવા ઇલેક્ટ્રોનિક મતદાન થયું, જેમાં બિલના પક્ષમાં 220 અને વિરોધમાં 149 મત પડ્યા હતા. સ્પીકરે કહ્યું કે, જે સભ્યો પોતાનો મત બદલવા માગે છે, તેઓ સ્લીપ લઈ લે. ત્યારપછીની મતગણતરીમાં પક્ષમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા હતા.
મેઘવાલે કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત 3 કાયદામાં સંશોધનનું બિલ પણ રજૂ કર્યું હતું. આ બિલમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર અધિનિયમ- 1963, ધ ગવર્નમેન્ટ ઓફ નેશનલ રેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી- 1991 અને જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન એક્ટ- 2019નો સમાવેશ થાય છે. તેના દ્વારા જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા સુધારા પણ કરી શકાય છે.
વ્હીપ છતાં ભાજપના 20થી વધુ સાંસદ ગેરહાજર
વન નેશન-વન ઇલેક્શનના બિલ અંગે ભાજપ દ્વારા મંગળવારે તેના લોકસભા સભ્યોને ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કરાયો હતો, છતાં ભાજપના 20 સાંસદ હાજર રહ્યા નહોતા. આ અંગે તમામ ગેરહાજર સાંસદને પાર્ટી દ્વારા નોટિસ પાઠવાશે.
2029 કે 2034માં એકસાથે ચૂંટણી શક્યઃ કોવિંદ
સમિતિના અધ્યક્ષ રામનાથ કોવિંદે ‘વન નેશન – વન ઇલેક્શન’ વિશે કહ્યું કે, દેશમાં 2029 અથવા 2034માં એકસાથે ચૂંટણી યોજાઈ શકે છે. જે દિવસે આપણું અર્થતંત્ર 10 ટકાથી 11 ટકા સુધી વધશે, તે દિવસે દેશ વિશ્વના ત્રીજા-ચોથા સૌથી મોટા અર્થતંત્રની હરોળમાં આવી જશે.
બિલ પાસ કરવા 3 સ્ટેપ
વન નેશન વન ઇલેક્શન બિલ પાસ કરાવવામાટે ત્રણ સ્ટેપ જરૂરી છે, જેમાંથી પ્રથમ 1951ના જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં સુધારો, દ્વિતીય સંસદમાં બે તૃતિયાંશ સાથે બિલ પાસ કરાવવું ફરજિયાત અને ત્રીજનું બંધારણની કલમ 83, 85, 172, 174 અને 356માં સુધારો કરવો ફરજિયાત છે.
બિલ પાસ કરાવવું ભાજપ માટે પડકાર
‘એક દેશ, એક ચૂંટણી’નું બિલ પાસ કરાવવું સરકાર માટે મુશ્કેલ છે. એનું કારણ એ છે કે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) પાસે સંસદમાં બે તૃતિયાંશ બહુમતી નથી. બંધારણમાં સુધારા માટે વિશેષ બહુમતી જરૂરી છે. આવી સ્થિતિમાં બંને ગૃહમાં સભ્યોની બે તૃતિયાંશ બહુમતી અને મતદાનમાં 50 ટકાથી વધુ મત હોવા જોઈએ. ઉપરાંત ઇન્ડિયા બ્લોકના તમામ પક્ષો વન નેશન-વન ઇલેક્શનના વિરુદ્ધમાં છે.


comments powered by Disqus