શ્રીલંકન ધરતી પરથી ભારતવિરોધી પ્રવૃત્તિ નહીં થવા દઈએઃ દિસાનાયકે

Wednesday 18th December 2024 04:20 EST
 
 

નવી દિલ્હીઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ભારતનો પ્રવાસ ખેડ્યો. રાજકીય પ્રવાસના બીજા દિવસે સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં દિસાનાયકેનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે બંને દેશોએ સમજૂતી પત્રોનું આદાન-પ્રદાન કર્યું હતું.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત-શ્રીલંકાની ભાગીદારીમાં એક નવો માઇલસ્ટોન ઊભો થયો છે. વડાપ્રધાન મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિશાનાયકેના નેતૃત્વમાં ભારત અને શ્રીલંકાનાં પ્રતિનિધિ મંડળો વચ્ચે વ્યાપક વિચારવિમર્શ થયો હતો. બંને પક્ષોએ ભારત અને શ્રીલંકાની ભાગીદારીની વ્યાપક સમીક્ષા કરી અને બંને દેશોની સાથે ક્ષેત્રના પારસ્પરિક લાભ માટે સંબંધોને ગાઢ બનાવવાના રોડમેપ પર સહમતી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે કહ્યું કે, આજની યાત્રાથી આપણા સંબંધોમાં નવી ગતિ અને ઊર્જાનો સંચાર થયો છે.
સુરક્ષા-ઊર્જા સહિત ઘણા કરાર થયા
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાતરી આપી હતી કે, શ્રીલંકા પોતાની ધરતીનો ભારતવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થવા દેશે નહીં. તેમણે કહ્યું હતું કે, ભારત સાથેનો સહકાર ચોક્કસપણે વધશે અને હું ભારતને અમારા સતત સમર્થનની ખાતરી
આપવા માગું છું. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશ્વાસન પણ આપ્યું છે કે, અમે અમારી જમીનનો ઉપયોગ ભારતના હિત માટે હાનિકારક હોય તેવી રીતે કોઈપણ રીતે થવા દઈશું નહીં. ભારત સાથેનો સહયોગ ચોક્કસપણે વધશે અને હું ભારતને અમારા સતત સમર્થનની ખાતરી આપવા માગું છું.
દિસાનાયકેએ સપ્ટેમ્બરમાં કાર્યભાર સંભાળ્યા બાદ તેમના પ્રથમ વિદેશપ્રવાસ માટે ભારતને પસંદ કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા પછી આ મારી પ્રથમ વિદેશ મુલાકાત છે. હું ખૂબ જ ખુશ છું કે હું મારા પ્રથમ સત્તાવાર પ્રવાસ પર દિલ્હી આવી શક્યો. મને આમંત્રણ માટે, મારા સહિત સમગ્ર પ્રતિનિધિમંડળને જે આતિથ્ય આપવામાં આવ્યું તે માટે હું ભારતનો આભાર માનું છું. અમે બે વર્ષ પહેલાં અભૂતપૂર્વ આર્થિક કટોકટીનો સામનો કર્યો હતો અને ભારતે અમને ઘણી મદદ કરી હતી.


comments powered by Disqus